'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત સોમનાથમાં મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ;  ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 15 Feb 2026 09:07 AM (IST)Updated: Sun, 15 Feb 2026 09:07 AM (IST)
somnath-mahashivratri-mahotsav-2026-under-somnath-swabhiman-parva
HIGHLIGHTS
  • સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અલૌકિક પર્વનું આયોજન
  • સોમનાથમાં બે દિવસીય મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ
  • ત્રિવેણી સંગમ પર મહાઆરતી અને સેન્ડ આર્ટનું આયોજન

Mahashivratri 2026: 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં મહાશિવરાત્રી નિમિત્તે કલા અને સંસ્કૃતિ દ્વારા આરાધનાના અલૌકિક પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર અને સાંસદ રાજેશ ચુડાસમા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અલૌકિક પર્વ

આ પર્વના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સોમનાથ પર 1000 વર્ષ પહેલાં આક્રમણ થયા, છતાં અતૂટ આસ્થા અને આધ્યાત્મિક શ્રદ્ધાથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર અડગ ઊભું છે. પ્રભાસક્ષેત્રની પુણ્યભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થયા ત્યારે ભારતીય સંસ્કૃતિની શક્તિને ઉજાગર કરતી વિવિધ પરંપરા, સનાતન સંસ્કૃતિને શ્રદ્ધાળુઓએ માણી હતી.

naidunia_image

ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વના માધ્યમથી સમગ્ર વિશ્વએ ભારતની આધ્યાત્મિક ચેતનાના વિરાટ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં જૂનાગઢમાં પણ મીનીકુંભના માધ્યમથી શ્રદ્ધાળુઓ આધ્યાત્મમાં રસતરબોળ થયા છે.

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

શિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથનો દિવસ, આ દિવસે સમગ્ર સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું ત્રિવેણીસંગમ બન્યું છે. જેથી સોમનાથમાં આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર વધુ બળવત્તર બન્યું છે. આ સાથે સાંસદ રાજેશ ચુડાસમાએ ઉપસ્થિત સર્વે શિવભક્તોને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ આપી હતી.

આધ્યાત્મિક અસ્મિતાની ઓળખ થશે ઉજાગર

ગુજરાત ટુરિઝમ મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશીએ પોતાના સ્વાગત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સોમનાથના સાનિધ્યમાં મહાશિવરાત્રી નિમિત્તે ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો સંગમ રચાયો છે. પ્રોમોનેડ બીચ સહિતના આઈકોનિક ડેવલપમેન્ટ થકી સોમનાથનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. માત્ર માળખાકીય સુવિધાઓ નહીં, પરંતુ સાંસ્કૃતિક પરંપરા થકી ગુજરાતની આધ્યાત્મિક અસ્મિતાની ઓળખ વધુને વધુ ઉજાગર થશે.

naidunia_image

ત્રિવેણી સંગમ પર મહાઆરતી અને સેન્ડ આર્ટ

ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધાળુઓને મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથના આંગણે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ત્રિવેણી સંગમ પર મહાઆરતી અને સેન્ડ આર્ટ પણ માણવા મળશે. આ પર્વને માણવા ધારાસભ્ય ભગવાન બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.