પૃથ્વીના તેજપૂંજ સમાન 'કૈલાસ મહામેરુ પ્રાસાદ' નો ઈતિહાસ અને સ્થાપત્ય વૈભવ, વાંચો...

વાસ્તુશાસ્ત્રની નાગર શૈલીમાં નિર્મિત સોમનાથ મહાદેવ મંદિર 'કૈલાસ મહામેરુ પ્રાસાદ' તરીકે ઓળખાય છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 08 Jan 2026 04:48 PM (IST)Updated: Thu, 08 Jan 2026 04:48 PM (IST)
somnath-mahadev-temple-known-as-kailash-mahameru-prasad-built-in-nagara-style
HIGHLIGHTS
  • 'કૈલાસ મહામેરુ પ્રાસાદ' તરીકે ઓળખાય છે સોમનાથ મહાદેવ મંદિર 
  • વાસ્તુશાસ્ત્રની નાગર શૈલીમાં નિર્મિત છે આ કૈલાસ મહામેરુ પ્રાસાદ
  • મંદિર પર 37 ફૂટનો ધ્વજદંડ અને તેના પર 104 ફૂટની વિશાળ ધજા છે

Kailash Mahameru Prasad: "સોમનાથ માત્ર દેવાલય નથી, તે પ્રભાસક્ષેત્ર છે." સ્કંધ પુરાણના પ્રભાસખંડ મુજબ, જંબુદ્વીપના નવ ભાગમાં ભારતવર્ષ અને ભારતવર્ષના નવમા ભાગ સમાન સૌરાષ્ટ્રનું રત્ન એટલે પ્રભાસ. આ પવિત્ર ભૂમિ પર બિરાજતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો (Somnath Mahadev) ઇતિહાસ વિનાશ સામે સર્જનના વિજયની અપ્રતિમ ગાથા છે.

સરદાર પટેલનો ઐતિહાસિક સંકલ્પ અને પુનઃનિર્માણ

13 નવેમ્બર 1947, વિક્રમ સંવતના નૂતન વર્ષના મંગલ દિવસે ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે (Sardar Vallabhbhai Patel) મંદિરના ભગ્નાવશેષો જોઈને સમુદ્ર જળની અંજલિ લઈ સંકલ્પ કર્યો હતો કે, "સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થવું જોઈએ." આ સંકલ્પને સાકાર કરવામાં જામસાહેબ દિગ્વિજયસિંહ, ક.મા. મુનશી અને કાકાસાહેબ ગાડગીલ જેવા મહાનુભાવનો સિંહફાળો રહ્યો છે. વર્ષ 1951માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે આ આધુનિક મંદિર રાષ્ટ્રને સમર્પિત થયું હતું.

naidunia_image

સ્થાપત્યનો અજોડ સંગમ: કૈલાસ મહામેરુ પ્રાસાદ

વાસ્તુશાસ્ત્રની નાગર શૈલીમાં નિર્મિત આ મંદિર 'કૈલાસ મહામેરુ પ્રાસાદ' તરીકે ઓળખાય છે. આ સ્થાપત્યની કેટલીક અદભુત લાક્ષણિકતાઓ છે.

  • પરિમાણ: મંદિરની ઊંચાઈ 155 ફૂટ છે, જેના પર 37 ફૂટનો ધ્વજદંડ અને 104 ફૂટની વિશાળ ધ્વજ લહેરાય છે.
  • ચંદ્ર-શિવ સાયુજ્ય: કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ આકાશમાં ચંદ્ર અને ગર્ભગૃહમાં શિવલિંગ એક સીધી રેખામાં આવે છે, જે એક અલૌકિક દ્રશ્ય સર્જે છે.
naidunia_image
  • કળશ અને શિખર: ગર્ભગૃહના શિખર પર 10 ટન વજનનો પથ્થરનો કળશ છે, જ્યારે સભા અને નૃત્ય મંડપના ઘુમ્મટ પર 1001 નાના કળશ કંડારાયા છે.
  • ભૌગોલિક વિશેષતા: મંદિરના દક્ષિણ ભાગમાં આવેલ 'બાણસ્તંભ' સૂચવે છે કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી લીટીમાં ક્યાંય જમીનનો ટુકડો આવતો નથી.

આક્રમણ સામે અજેય આસ્થા

સોમનાથ પર 1026 માં મહમદ ગઝનીથી (Muhammad Ghazni) લઈને 1701 માં ઔરંગઝેબ સુધીના અનેક આક્રમણખોરોએ હુમલા કર્યા, પરંતુ દરેક વખતે હિન્દુ ધર્મપ્રેમીઓએ તેનો જીર્ણોદ્ધાર કર્યો. ભાવ બૃહસ્પતિની 'સોમનાથ પ્રશસ્તિ' મુજબ, આ મંદિર સતયુગમાં સોમ (ચંદ્ર) દ્વારા, ત્રેતામાં રાવણ દ્વારા, દ્વાપરમાં શ્રીકૃષ્ણ દ્વારા અને કળિયુગમાં ભીમદેવ સોલંકી દ્વારા નિર્મિત થયું હોવાનું મનાય છે.

naidunia_image

આધુનિક નેતૃત્વ અને સાંસ્કૃતિક વારસો

સોમનાથ ટ્રસ્ટના માધ્યમથી લાલકૃષ્ણ અડવાણી, કેશુભાઈ પટેલ અને વર્તમાન અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) માર્ગદર્શન હેઠળ સોમનાથનો કાયાકલ્પ થયો છે. યાત્રિકો માટે સુવિધાઓ, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને 'સોમનાથ વર્તમાન' માસિક જેવા માધ્યમથી ભક્તોને જોડાવાના પ્રયાસો થઈ રહ્યા છે.

લોકપરંપરાનું પર્વ: કાર્તિકી પૂર્ણિમાનો મેળો

ગરવા ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ, સોરઠની જનતા સોમનાથના ભાતીગળ મેળામાં ઉમટી પડે છે. કારતક માસની તેરસથી પૂનમ સુધી ભરાતો આ મેળો સોરઠની લોક સંસ્કૃતિનું ધબકતું પ્રતીક છે. આજે સોમનાથ માત્ર એક દેવાલય નથી, પણ ભારતવર્ષના પુનરુત્થાન અને અખંડ શ્રદ્ધાનું પ્રતિક બનીને અરબી સમુદ્રના તટે અડીખમ ઉભું છે.