સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ: 72થી વધુ હોટલો અને મકાનો પર બુલડોઝર ફરી વળ્યા, 27 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ

સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ગીર સોમનાથમાં મેગા ડિમોલેશન શરૂ. 72થી વધુ હોટલો અને રહેણાક મકાનો તોડી 27 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 17 Nov 2026 01:35 AM (IST)Updated: Tue, 17 Nov 2026 01:35 AM (IST)
somnath-corridor-project-bulldozers-raze-over-72-hotels-and-houses-27000-square-meters-of-land-cleared

Somnath Corridor Project: વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર પરિસરની કાયાપલટ કરવા અને શ્રદ્ધાળુઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ ઊભી કરવાના હેતુથી 'સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ'ને વેગ આપવામાં આવ્યો છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા મંદિરની આસપાસના વિસ્તારમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વ્હેલી સવારથી જ 72થી વધુ હોટલો અને રહેણાક મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

બજાર ભાવે સંપાદિત મિલકતો પર કાર્યવાહી

વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર કામગીરી પૂર્વ આયોજન મુજબ હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા અગાઉ જે મિલકતો બજાર ભાવે ખરીદીને સંપાદિત કરવામાં આવી હતી, તે તમામ બાંધકામોને હવે દૂર કરવામાં આવી રહ્યા છે. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય મંદિરની આસપાસ અંદાજે 27 હજાર ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા ખુલ્લી કરાવવાનો છે, જેથી કોરિડોરના નિર્માણ માટેનો માર્ગ મોકળો થઈ શકે.

ભારે મશીનરી અને માનવબળનો ખડકલો

ડિમોલેશનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે તંત્રએ મોટા પાયે મશીનરી કામે લગાડી છે. ઘટનાસ્થળે 4 હિટાચી મશીન, 10 JCB અને કાટમાળ હટાવવા માટે 50 જેટલા ટ્રેક્ટરોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. એકસાથે અનેક સ્થળોએ તોડફોડની કામગીરી શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે હલચલ જોવા મળી રહી છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત

મેગા ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન પણ સતર્ક બન્યું છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

યાત્રાધામના આધુનિકરણ તરફ મોટું કદમ

આગામી સમયમાં આ જમીન ખુલ્લી થયા બાદ અહીં અત્યાધુનિક સુવિધાઓ, વિશાળ પાર્કિંગ અને શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયને સોમનાથ યાત્રાધામના ભવિષ્યના વિકાસ અને પ્રવાસનને વેગ આપવાની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.