Gir Somnath: સોમનાથમાં ભવ્ય કોરિડોર પ્રોજેકટ માટે મેગા ડિમોલિશન શરૂ, 250 મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું

સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત 385 મિલકતો સંપાદિત કરવાની પ્રક્રિયામાં ગત વર્ષે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ અને આંદોલન કરવામાં આવ્યા હતા. આખરે 250 મિલકત ધારકોએ સંમતિ આપી દીધી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 03 May 2026 04:54 PM (IST)Updated: Sun, 03 May 2026 04:54 PM (IST)
gir-somnath-news-somnath-corridor-project-mega-demolition-begins-250-properties-cleared
HIGHLIGHTS
  • પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે પ્રશાસને હથોડો વિંઝ્યો

Gir Somnath: વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના નવનિર્માણ પામનારા ભવ્ય કોરિડોર પ્રોજેક્ટને લઈને વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટો અને સંપાદન પ્રક્રિયા બાદ આખરે 250 જેટલી મિલકતોના માલિકોની સંમતિ મળતા પ્રશાસને ડિમોલિશનનો હથોડો વીંઝ્યો છે.

સોમનાથ કોરિડોર અંતર્ગત કુલ 385 જેટલી મિલકતો સંપાદિત કરવાની પ્રક્રિયામાં ગત વર્ષે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ અને આંદોલન કરવામાં આવ્યા હતા. જોકે, વહીવટી તંત્રની સમજાવટ અને પ્રોજેક્ટના મહત્વને ધ્યાને રાખી આખરે 250 મિલકત ધારકોએ પોતાની સંમતિ આપી હતી.

કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર સોમનાથ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. આ ડિમોલિશન કામગીરી સતત 3 દિવસ સુધી ચાલવાની હોવાથી મોટા પાયે સુરક્ષા દળો તૈનાત કરાયા છે. જેમાં 1 એસ.પી, 2 ડી.વાય.એસ.પી. 4 પોલીસ ઇન્સ્પેક્ટર , 5 સબ ઇન્સ્પેક્ટર, 120થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સોમનાથમાં ભવ્ય કોરિડોર બનાવવાનું આયોજન છે. આ ડિમોલિશન બાદ મંદિરની આસપાસનો વિસ્તાર અત્યંત મોકળો બનશે, જેનાથી દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓને આધુનિક સુવિધાઓ અને દર્શન માટે વધુ સારી વ્યવસ્થા પ્રાપ્ત થશે. હાલમાં તંત્ર દ્વારા જેસીબી અને હિટાચી મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.