સોમનાથ અમૃતપર્વ-2026: વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું

સોમનાથ મહાદેવના દેવાલયમાં વડાપ્રધાને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાનની મહાપૂજા કરી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 11 May 2026 02:22 PM (IST)Updated: Mon, 11 May 2026 02:23 PM (IST)
somnath-amrit-parva-2026-prime-minister-narendra-modi-bowed-his-head-at-the-feet-of-somnath-mahadev

PM Modi Somnath Visit: ભારતીય સંસ્કૃતિના તેજ, આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં આજે ઇતિહાસ રચાયો છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની ગૌરવશાળી વિરાસતના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026' માં સહભાગી થવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પધાર્યા હતા. વિરાસત અને વિકાસના આ સંગમતીર્થે વડાપ્રધાને મહાદેવના ચરણોમાં વંદન કરી રાષ્ટ્રની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

naidunia_image

શંખનાદ અને અમૃત કળશ સાથે ભવ્ય સ્વાગત કરાયું

વડાપ્રધાનના આગમન વેળાએ સમગ્ર સોમનાથ તીર્થ ભક્તિમય રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. વીર હમીરજી સર્કલ પાસે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝાંખી પ્રસ્તુત કરતી સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. સ્વાગતનો માહોલ અત્યંત ભાતીગળ હતો; જેમાં 75 ઢોલીઓના નાદ, નાસિકના પ્રખ્યાત ઢોલ અને તૂતીના સૂરોએ આકર્ષણ જમાવ્યું હતું. પરંપરાગત પરિધાનમાં સજ્જ 100 જેટલી કન્યાઓએ માથે અમૃત કળશ ધારણ કરી વડાપ્રધાનને હરખભેર આવકાર્યા હતા. આ પથ પર વડાપ્રધાને સોમનાથની થીમ પર નિર્મિત આકર્ષક રેત શિલ્પને પણ રસપૂર્વક નિહાળ્યું હતું.

naidunia_image

લોખંડી પુરુષ સરદાર પટેલને પુષ્પાંજલિ

મંદિર પરિસરમાં પ્રવેશતા પૂર્વે વડાપ્રધાને અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ક્ષણ સોમનાથના પુનરુત્થાનના ઇતિહાસને યાદ કરાવતી હતી. ત્યારબાદ દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારોના શંખનાદ અને ડમરુના નાદ વચ્ચે ખાસ તૈયાર કરાયેલ 'બેલ વોક' પરથી પસાર થઈ વડાપ્રધાન નિજ મંદિરમાં પ્રવેશ્યા હતા.

naidunia_image

મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ

સોમનાથ મહાદેવના દેવાલયમાં વડાપ્રધાને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાનની મહાપૂજા કરી હતી. ડમરુના નાદ અને 'હર હર મહાદેવ'ના નારાથી ગુંજી ઉઠેલા ગર્ભગૃહમાં તેમણે જન-જનની સુખાકારી અને દેશની ઉન્નતિ માટે આરાધના કરી હતી.

naidunia_image

આ ઐતિહાસિક પર્વ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે સોમનાથ મંદિરના શિખર પર કુંભાભિષેક અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જે સમયે વડાપ્રધાન ધ્વજારોહણ કરી રહ્યા હતા, તે જ સમયે ભારતીય વાયુસેનાના બે ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિરના સુવર્ણ શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ દ્રશ્ય જોઈ ભક્તો ભાવવિભોર થઈ ઉઠ્યા હતા.

naidunia_image

નભમાં 'સૂર્યકિરણ'ની આકાશી સલામી જોવા મળી

સોમનાથના સમુદ્ર તટે ભક્તિ સાથે શક્તિનું પણ પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ 'સૂર્યકિરણ' એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં દિલધડક એર શો રજૂ કરવામાં આવ્યો હતો. વાયુસેનાના જાંબાઝ પાયલોટોએ આકાશમાં ત્રિરંગાના રંગો અને અદભૂત કરતબો બતાવી ભગવાન સોમનાથને આકાશી સલામી આપી હતી. આ દ્રશ્યોએ ઉપસ્થિત હજારોની મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી.

naidunia_image

વિરાસતનું પ્રદર્શન અને મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી

વડાપ્રધાને મંદિર પરિસરમાં સોમનાથની વૈભવશાળી વિરાસત અને તેના હજારો વર્ષના ઇતિહાસને અંકિત કરતા વિશેષ પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

naidunia_image

આજની આ મુલાકાત સોમનાથની દિવ્યતા અને ભારતની ભવ્યતાના પુનઃ સ્થાપનનું નવું સોપાન બની રહી છે. પ્રભાસની આ ધરા પરથી વડાપ્રધાને ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારત તેની વિરાસતનું જતન કરવાની સાથે વિકાસના પથ પર પણ એટલું જ મક્કમ છે.