Gir Somnath: સોમનાથ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષ નિમિત્તે 'સોમનાથ અમૃતપર્વ-2026'ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા 11 મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે.
આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જોઈને હાજર લોકો દંગ રહી ગયા હતા અને હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા.
સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જનમીત શર્મા તરફથી મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાના એમ્બેસેડર તરીકે ઓળખાતી સૂર્યકિરણ ટીમ લાલ અને સફેદ રંગના હોક એમ.કે.-132 (Hawk Mk-132) જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં વિવિધ સિંક્રનાઈઝ્ડ ફોર્મેશન અને સાહસિક દાવપેચ રજૂ કરશે.
આ એરોબેટિક શો અંદાજે 15 મિનિટ સુધી ચાલશે, જેમાં પાઈલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાડવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરીને આ ટીમ માત્ર 18 મિનિટમાં સોમનાથના આકાશમાં પહોંચશે. જામનગરથી સોમનાથનું હવાઈ અંતર અંદાજે 182 કિમી જેટલું છે.
ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં 13 કુશળ પાઈલટોની ટીમ આ પ્રદર્શન કરશે. આ પ્રદર્શનના સુરક્ષિત સંચાલન માટે જામનગર એરફોર્સ સ્ટેશનના 25 થી 30 એર વોરિયર્સની ટીમ મેદાનમાં તૈનાત રહેશે. આ ટીમ દ્વારા ફ્લાયપાસ્ટ કંટ્રોલ, એવિએશન સેફ્ટી, બર્ડ હેઝાર્ડ કંટ્રોલ, હવામાન વિભાગ અને સિગ્નલ કમ્યુનિકેશનની જવાબદારી સંભાળવામાં આવશે.
વર્ષ 1996માં સ્થપાયેલી સૂર્યકિરણ ટીમ અત્યાર સુધીમાં ભારતમાં 800થી વધુ એર ડિસ્પ્લે કરી ચૂકી છે. આ ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, સિંગાપોર અને યુ.એ.ઈ. જેવા દેશોમાં પણ ભારતીય વાયુસેનાનું પ્રતિનિધિત્વ કરી વૈશ્વિક પ્રશંસા મેળવી છે. આ ટીમના હોક એમ.કે.-132 વિમાનો ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવ્યા છે.
આ વખતે પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ સ્વદેશી ટેકનોલોજીથી બનેલા સ્મોક પોડ્સ રહેશે. વાયુસેનાના નાસિક સ્થિત બેઝ રિપેર ડેપો દ્વારા વિકસાવવામાં આવેલા આ પોડ્સની મદદથી વિમાનો આકાશમાં કેસરી, સફેદ અને લીલા રંગનો ધુમાડો છોડીને ભારતીય ત્રિરંગાની પ્રતિકૃતિ બનાવશે. ‘સદૈવ સર્વોત્તમ’ના મુદ્રાલેખ સાથે કાર્યરત આ ટીમના પાઈલટો પાંચ મીટરથી પણ ઓછા અંતરે વિમાનો ઉડાડીને શિસ્ત અને સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડશે.
આજે જ્યારે સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા સોમનાથ મંદિર પર હવાઈ કરતબોનું રિહર્સલ કરવામાં આવ્યું, ત્યારે ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ સાથે સૈન્ય શક્તિનો સંગમ સર્જાયો હતો.
સોમનાથ મંદિર પર 11મી મેએ સવારે એરફોર્સના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાશે
'સોમનાથ અમૃતપર્વ-2026' અવસરે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ મંદિર પર એરફોર્સના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હેલિકોપ્ટર આકાશમાંથી મંદિર પરિસરમાં પુષ્પોની વર્ષા કરીને આસ્થા અને શૌર્યનો સંગમ રચશે.
આ પુષ્પવર્ષા મિશન માટે ચેતક હેલિકોપ્ટર જામનગરના એરફોર્સ સ્ટેશન પરથી ઉડાન ભરશે અને સોમનાથ મંદિર પહોંચીને પુષ્પવર્ષા કરશે. આ હેલિકોપ્ટર યુનિટ માત્ર આવા ઔપચારિક કાર્યક્રમો પૂરતું મર્યાદિત નથી, પરંતુ નાગરિકો માટે સર્ચ એન્ડ રેસ્ક્યુ, તબીબી સ્થળાંતર અને આપત્તિ રાહત કામગીરીમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ હેલિકોપ્ટર દ્વારા ગઈકાલે તથા આજે સોમનાથ મંદિર પર પુષ્પવર્ષાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આ યુનિટ દ્વારા અગાઉ એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ ગૌરવપૂર્વક રીતે પુષ્પવર્ષા કરવામાં આવી છે, જે રાષ્ટ્રીય એકતાની ભાવનાને સન્માનિત કરે છે. આમ, જામનગર એરફોર્સનું આ યુનિટ સંરક્ષણની સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા પ્રસંગોમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યું છે.
