આજથી ગીરમાં સિંહ દર્શનનો પ્રારંભ: સાસણ અને દેવળિયા સફારી શરૂ, જતાં પહેલાં જાણી લો ઓનલાઈન બુકિંગ અને નવો સમય

આજે 9 ઓક્ટોબરથી ગીર જંગલમાં જંગલ સફારી અને સિંહ દર્શનની શરુઆત થઈ ચૂકી છે. જેને લીધે સિંહપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 09 Oct 2026 12:49 PM (IST)Updated: Fri, 09 Oct 2026 12:49 PM (IST)
sasan-gir-lion-safari-2026-opens-today-revised-timings-online-booking-and-entry-rules

Sasan Gir Lion Safari 2026: આજે 9 ઓક્ટોબરથી ગીર જંગલમાં જંગલ સફારી અને સિંહ દર્શનની શરુઆત થઈ ચૂકી છે. જેને લીધે સિંહપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. સામાન્ય રીતે, જ્યારે દર વર્ષે ચોમાસું પૂર્ણ થયા બાદ 16 ઓક્ટોબરથી જંગલ સફારી શરુ કરાતી હતી. પરંતુ આ વર્ષે એક સપ્તાહ વહેલી જંગલ સફારી શરુ કરવામાં આવી રહી છે. આજથી સાસણ અને દેવળિયામાં સિંહ પ્રેમીઓ ગાઢ જંગલમાં મુક્ત મને વિચરણ કરતાં વનરાજોને નજીકથી જોવાનો અદ્ભુત અને રોમાંચક અનુભવ મેળવી શકે છે. પરંતુ જંગલ સફારી પર જતાં પહેલા કયારે બુકિંગ કરાવવું અને કેવી રીતે પહોંચવું અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું અતિ આવશ્યક છે.

સિંહ દર્શનનો સમય અને બુકિંગ

જંગલ સફારી દરમિયાન સિંહ દર્શનનો સમય વન વિભાગે નિર્ધારિત કર્યો છે. સવારના 6.30થી 930 અને બપોરના સમયે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સિંહદર્શનનો સમય નિર્ધારિત કરાયો છે. સાસણ સફારી પાર્કમાં પ્રથમ 6.30 વાગ્યાના સ્લોટમાં જ 50 પરમીટો ફૂલ થઈ ગઈ હતી. જંગલ સફારી શરુ થયાના પહેલા જ દિવસે સિંહ દર્શન માટે વન્યપ્રેમીઓમાં ભારે અને જબરું આકર્ષણ જોવા મળ્યું છે.

જોકે, સફારી કરવા ઇચ્છતા પ્રવાસીઓએ વન વિભાગની ઓફિશિયલ વેબસાઈટ https://girlion.gujarat.gov.in/ પર ઓનલાઈન પરમિટ બુકિંગ કરવવાની રહે છે. જે અંગેની માહિતી સાસણ વન્યપ્રાણી વિભાગના ડીસીએફ અગ્નેશ્વરકુમાર વ્યાસે આપી હતી.

જંગલ સફારીનોનો થયો પ્રારંભ

ગીર જંગલ વિસ્તારમાં સિંહ દર્શનનો આરંભ થઈ ચૂક્યો છે. ત્યારે સિંહ દર્શન માટે સિંહ પ્રેમીઓ તલપાપડ બની રહ્યા છે, સિંહ દર્શન માટે બે સ્થળો ઉત્તમ ગણાય છે. દેવળિયા સફારી પાર્ક અને સાસણ સફારી પાર્ક. સાસણ સફારી પાર્કમાં પ્રવાસીઓએ સફારી કરવા માટે વન વિભાગની ઓનલાઇન પરમિટ લેવા ફરજિયાત છે. અહીં પ્રવાસીઓને ખુલ્લી જીપમાં બેસાડીને સિંહ દર્શન માટે લઈ જવાય છે. આજથી શરુ થનાર જંગલ સફારી માટે દૂર દૂર લોકો આવી રહ્યા છે.

જ્યારે બીજા દેવળિયા સફારી પાર્કમાં પણ પ્રવાસીઓને સફારી કરવા માટે આતુર છે. આ સુરક્ષિત વન વિસ્તારમાં મિની બસ અને જીપમાં વન વિભાગ દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવામાં આવે છે. આ બંને જગ્યાએ પ્રવાસીઓ અમુક અંતરે સિંહોને નિહાળીને કેમેરામાં કંડારી શકે છે. જોકે વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, સફારી દરમિયાન પ્રવાસીઓ સિંહની ફોટો અને વીડિયોગ્રાફી કરી શકે છે. તેના પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. પરંતુ સિંહોને છંછેડવા નહીં. તેની પણ તાકીદ કરાઈ છે.

જંગલ સફારી દરમિયાન કઈ કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન

ડ્રેસ કોડ અને પહેરવેશની પસંદગી

  • સંપૂર્ણ ઢંકાયેલા કપડાં: ઝાડી-ઝાંખરા અને જીવજંતુઓથી રક્ષણ મેળવવા માટે ફૂલ સ્લીવનું શર્ટ/ટી-શર્ટ અને ફુલ પેન્ટ જ પહેરવું.
  • ઝાંખા રંગો પસંદ કરવા: જંગલના વાતાવરણ સાથે ભળી જાય તેવા સૌમ્ય રંગો જેવા કે ખાખી, ઓલિવ ગ્રીન, બ્રાઉન અથવા બેજ રંગના વસ્ત્રો પહેરવા.
  • ભડકાઉ રંગો ટાળવા: લાલ, પીળો, નારંગી તેમજ વધુ પડતા ચમકતા કે સફેદ રંગના કપડાં પહેરવાનું ટાળવું.
  • યોગ્ય ફૂટવેર: ચંપલ કે સેન્ડલના બદલે પગ સંપૂર્ણ ઢંકાયેલા રહે તેવા બંધ સ્પોર્ટ્સ શૂઝ જ પહેરવા.
  • જરૂરી એક્સેસરીઝ: ધૂળ, તાપ અને તડકાથી બચવા માટે ટોપી, સનગ્લાસ અને રૂમાલ કે સ્કાફ સાથે રાખવા.

 ઓનલાઇન બુકિંગ અને જરૂરી દસ્તાવેજો 

  • માન્ય ઓળખપત્રો: બુકિંગ અને પ્રવેશ માટે ફક્ત મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જ માન્ય ગણાશે.
  • ઓરિજિનલ ID સાથે રાખવું: નેશનલ પાર્કમાં પ્રવેશતી વખતે ઓનલાઇન બુકિંગમાં દર્શાવેલ મૂળ (Original) ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે.
  • ચોકસાઈપૂર્વક વિગતો ભરવી: બુકિંગ ફોર્મમાં દરેક પ્રવાસીનું નામ, ઉંમર અને જાતિ ID કાર્ડ મુજબ જ સાચી ભરવી. ખોટી કે અધૂરી વિગતોવાળું બુકિંગ રદ ગણવામાં આવશે.
  • વિદેશી નાગરિકો માટે: વિદેશી પ્રવાસીઓએ તેમના પાસપોર્ટની વિગતો આપવી જરૂરી છે.
  • પરમિટ ક્ષમતા: એક ઈ-પરમિટ પર મહત્તમ ૬ (છ) વ્યક્તિઓ પ્રવેશ કરી શકે છે.
  • ચુકવણી: બુકિંગ કરતી વખતે નિર્ધારિત સફારી શુલ્કની રકમ તૈયાર રાખીને તરત ચુકવણી કરવાની રહેશે.

 સુરક્ષા અને વન વિભાગના નિયમો

  • અધિકારીઓની સૂચનાનું પાલન: ગાઇડ અને વનકર્મીઓ (ગાર્ડ) દ્વારા આપવામાં આવતી સુરક્ષા અંગેની તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.
  • સિંહો નજીક આવે ત્યારે સંયમ: જો કોઈ સિંહ વાહન કે જીપની નજીક આવી જાય, તો ગભરાવું નહીં, અવાજ ન કરવો અને ભૂલથી પણ વાહનમાંથી નીચે ન ઉતરવું.
  • રૂટમાં ફેરફાર નહીં: પ્રવાસીઓની વિનંતી પર નિર્ધારિત સફારી રૂટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં.
  • સમયમાં ફેરફાર: ખરાબ હવામાન કે અનિવાર્ય મોસમી પરિસ્થિતિઓને કારણે સત્તાવાળાઓ દ્વારા મુલાકાતના સમયમાં ફેરફાર થઈ શકે છે.