Gir Jungle Safari 2026: ગીરના સિંહ દર્શન માટે ગીર જંગલ સફારી વહેલી શરુ કરવાની ચર્ચા વચ્ચે હાલ પ્રવાસીઓ અને સિંહ પ્રેમીઓ માટે અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જંગલ સફારી શરુ કરવા અંગે હજુ સુધી વન વિભાગને સત્તાવાર નોટિફિકેશન મળ્યું નથી. જેના કારણે હાલ જંગલ સફારી નિર્ધારિત સમય પહેલાં શરુ કરવામાં આવશે નહી.
થોડા સમય અગાઉ સાસણ ગીર ખાતે જંગલ સફારી 16 ઓક્ટબરના નિર્ધારિત સમયથી 12 દિવસ વહેલી શરુ કરવા અંગે ચર્ચા થઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે હોટલ એસોમાં યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ ગીર સફારી શરુ થવાની શક્યતા વચ્ચે સિંહપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
નોટિફિકેશન બાદ જ નિર્ણય
જંગલ સફારી શરુ કરવા તેમજ ઓનલાઈન પરમિટ વેચાણ શરુ કરવા અંગે સાસણ વન્યજીવ વિભાગના ડીસીએફ અગ્નેશ્વરકુમાર વ્યાસ પ્રમાણે, પીસીસીએફ કચેરી તરફથી પાર્ક વહેલો શરુ કરવા અંગે કોઈ સત્તાવાર નોટિફિકેશન મળ્યું નથી. આથી હાલના તબક્કે સાસાણ ગીર જંગલ સફારી વહેલી શરુ થશે નહી. ગાંધીનગર સ્થિત ઉચ્ચ કચેરી તરફથી સત્તાવાર નોટિફિકેશન મળ્યા બાદ જ સફારી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ઓનલાઈન પરમિટ ક્યારે મળશે?
વનવિભાગના જણાવ્યા મુજબ, સત્તાવાર નોટિફિકેશન આવ્યા બાદ જ ગીર જંગલ સફારી માટે ઓનલાઈન પરમિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. પરમિટનું ઓનલાઈન વેચાણ વનવિભાગની સત્તાવાર વેબસાઈટ પર શરૂ કરવામાં આવશે.
અત્યારે પ્રવાસીઓએ જંગલ સફારીના વહેલા પ્રારંભ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. વનવિભાગ તરફથી નોટિફિકેશન જાહેર થયા બાદ જ સફારીની નવી તારીખ અને ઓનલાઈન પરમિટ બુકિંગ અંગે સ્પષ્ટતા થશે.
