Diljit Dosanjh AURA INDIA TOUR 2026: પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ ગુજરાતના મહેમાન બન્યા છે. AURA INDIA TOUR 2026 અંતર્ગત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બર, શનિવારના રોજ યોજાનાર લાઈવ કોન્સર્ટ પહેલાં દિલજીત સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કાઠિયાવાડી થાળીની મજા માણી અને સાસણમાં સિંહ દર્શન પણ કર્યા હતા.
ભરપેટ કાઠિયાવાડી ભોજન બાદ પેટ ભરીને વખાણ કર્યાં
કાઠિયાવાડી ભોજનના સ્વાદથી પ્રભાવિત થયેલા દિલજીતે ગુજરાતના ભોજનના વખાણ પણ કર્યાહતા. ગુજરાત અને ખાસ કરીને ગીરના મહેમાન બનેલા દિલજીત દોસાંજેસૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તેઓ કાઠિયાવાડી થાળીની મજા માણતા જોવા મળે છે.
આ વીડિયોમાં વેઈટર શરૂઆતમાં જ મીઠાઈ પીરસે છે ત્યારે દિલજીત મજાકિયા અંદાજમાં કહે છે કે, ભોજન પહેલાં જ મીઠાઈ આવી ગઈ? પહેલાં જ મીઠું ખાઈ લઈશું તો પછી ભોજન કેવી રીતે લઈશું? કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યા બાદ તેમણે કહ્યું કે, તમે ગુજરાત આવ્યા છો અને કાઠિયાવાડી થાળી ખાધી છે તો તેના સ્વાદનો અંદાજ આવી જ ગયો હશે. જો ગુજરાત નથી આવ્યા તો અહીં આવો અને ભોજનનો સ્વાદ માણો.

સાસણમાં કર્યા સિંહ દર્શન, ગીર જંગલ સફારીની મજા માણી
ગુજરાત પહોંચ્યા બાદ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન દિલજીતે ગીર વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. અહીં સાસણમાં ગીર જંગલ સફારીની મજા માણી હતી. આ દરમિયાન દિલજીત દોસાંજે એશિયાટિક સિંહોના દર્શન કર્યા હતા. આમ, અમદાવાદમાં કોન્સર્ટ પહેલાં દિલજીતે ગુજરાતના પ્રવાસ દરમિયાન કાઠિયાવાડી ભોજન અને ગીરની પ્રકૃતિનો આનંદ માણ્યો હતો.

21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે લાઈવ કોન્સર્ટ
દિલજીત દોસાંઝનો લાઈવ કોન્સર્ટ 21 નવેમ્બર, શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનો છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી 1 લાખથી વધુ લોકો આવવાની શક્યતા છે. કોન્સર્ટને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ કોન્સર્ટ પહેલા કેટલાક ગીતો અને સ્ટેજ પરફોર્મન્સ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
