Rajesh Chudasama News: ઇકો સેન્સેટિવ ઝોન અંગેનું એક પ્રાથમિક નોટિફિકેશન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેના આધારે ખેડૂતોના મનમાં કેટલાક પ્રશ્નો છે અને તેને લઇને તેમના દ્વારા વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં મેંગો માર્કેટ ખાતે એક સંમેલન યોજાયું હતું. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા હાજર રહ્યાં હતા અને તેમણે જણાવ્યું હતું કે, હું 2016માં ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે ખેડૂતોની સાથે હતો અને આ વખતે પણ તેમની સાથે છું. આપણા જે પણ વાંધા અને પ્રશ્નો છે તેને ઓનલાઇન રજૂ કરવા માટે આપણી પાસે 60 દિવસ છે. હું પણ ઓનલાઇન સબમિટ કરવાનો છું અને તમે પણ કરજો.
2016માં પણ હું ખેડૂતોની સાથે હતો
તાલાલા મેંગો માર્કેટ ખાતે યોજાયેલ સંમેલનમાં સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 2016માં ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરવાનું પહેલું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ભૂતકાળમાં પણ એવા પ્રયાસો થયા કે જ્યારે જ્યારે સરકારો આવે ત્યારે સરકારો પર્યાવરણને બચાવવાનું હોય, સિંહોનું રક્ષણ કરવાની વાત હોય કે માનવજાતને બચાવવાની વાત હોય, મદદરૂપ થવાની વાત હોય કાયદાના આધારે સરકાર ચાલતી હોય અને કાયદાઓ બનતા હોય છે. કાયદા બન્યા પછી જેમ સરકારો બદલતી હોય તેમ પરિપત્રો પણ બદલતા હોય. એમ અધિકારીઓ તેના અર્ઘઘટન પણ વિવિધ કરતા હોય.
2016માં જ્યારે ઇકો સેન્સેટિવ ઝોનનું નોટિફિકેશન આવ્યું ત્યારે આના કરતા પણ વિશેષ એ સમયે વિરોધ થયો હતો. એ સમયે મોટાભાગના જનપ્રતિનિધિઓ કોંગ્રેસના હતા. આ બોર્ડર વિસ્તારના ગામડના જેટલા જનપ્રતિનિધિઓ હતા એ તમામ કોંગ્રેસના પ્રતિનિધિઓ હતા. એ સમયે હું સાંસદ તરીકે હતો.
2016માં પાંચ મંત્રીઓની કમિટી મળી. એ કમિટીમાં આપણા પ્રતિનિધિઓ, ખેડૂતના પ્રતિનિધિઓ, આ વિસ્તારના આગેવાનોની વચ્ચે સરકારમાં રજૂઆત કરી કે આ નોટિફિકેશનના આધારે આ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું છે. એ સમયે મે કહ્યું હતું કે, ગુજરાત સરકાર કદાચ ઝીરોથી સો મીટરની દરખાસ્ત મોકલે તો તેને કેન્દ્રમાં મંજૂર કરાવવાની જવાબદારી મારી છે.
આજે પણ હું ખેડૂતોની સાથે છું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરંતુ 2017માં સરકારે દરખાસ્ત મોકલી. એ દરખાસ્ત ક્યાંકને ક્યાંક લીક થઇ ગઇ. લીક થઇ તેના આધારે ઘણા લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે, જ્યાં સુધી આની સમય મર્યાદા નક્કી ન થાય ત્યાં સુધી 10 કિ.મી. સુધી ઇકો સેન્સેટિવ ઝોનનો કાયદો લાગુ રહેશે. પછી સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સરકાર ફરી એક નોટિફિકેશન બહાર પાડે અને ઇકો સેન્સેટિવ ઝોનની હદ- મર્યાદા નક્કી કરે.
તેના આધારે કેન્દ્ર સરકાર દ્વારા આ નોટિફિકેશ બહાર પાડવામાં આવ્યું. હું 2016માં પણ જ્યારે આ વિસ્તારમાં કોંગ્રેસના પ્રતિનિધિઓ વધારે હતા એ દિવસે પણ આ વિસ્તારના ખેડૂતોની વ્હારે હતો અને આજે પણ તમામ પ્રતિનિધિઓ ભાજપના છે છતાં પણ હું આ પ્રશ્નમાં ખેડૂતોની સાથે છું.
ગુજરાતીમાં સમજાય એ રીતે એક પત્ર રજૂ કરવામાં આવે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાસ્તવિકતા સ્વીકારીને પણ આપણે હાલવું પડશે. મારી ઘણા મંત્રીઓ સાથે વાત થઇ. કેન્દ્રમાં પણ વાત થઇ. રાજ્યમાં પણ વાત થઇ. ઘણા અધિકારીઓ સાથે પણ વાત થઇ. મને પણ ખબર છે. જ્યારે કાયદો બની જાય પછી તેના અર્થઘટન અધિકારી બદલે એટલે તેનું અર્થઘટન બદલે. મે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તમામ જગ્યાએ એવું કહ્યું કે, ગુજરાતના લોકો, ગુજરાતીમાં સમજે એવી રીતે એવી ભાષામાં એમને તમારે આ નોટિફિકેશનના આધારે તમે તમારો એક પત્ર રજૂ કરી આ સમજાવો. એ પછી અમે આ વાતમાં આગળ વધીશું.
તમારા વાંધા હું બન્ને સરકારને રુબરુ મળને રજૂઆત કરવાનો છું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2017માં દરખાસ્ત ગઇ હતી એ 111 ગામની હતી. તેનું અંતર પણ ઓછું હતું. પણ 2024માં જે દરખાસ્ત થઇ છે, તેમાં થોડો વધારો થયો છે. પણ આપણે એ પણ વાસ્તવિકતા મનમાં રાખવાની જરૂર છે. કે સુપ્રીમ કોર્ટ જ્યારે એમ કહેશે કે ઇકો સેન્સેટિવ ઝોન લગાવો. ત્યારે માત્રને માત્ર ઇકો સેન્સેટિવ ઝોન લાગે અને એમાં આપણને શું રાહત થાય તેની ચિંતા આપણે વધારે કરવી જોઇએ.
હું પત્ર તો લખીશ પણ 60 દિવસ પહેલા ઓનલાઇન સબમિટ કરવાનો છું. હું ઓનલાઇન સબમિટ નહીં કરું તો આ વિસ્તારના એક નાગરીક તરીકે મારી જવાબદારીમાંથી ભાગ્યો છું એવું લાગશે. તમારા વાંધા હું બન્ને સરકારને રુબરુ મળને રજૂઆત કરવાનો છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારી વિનંતી છેકે આપણે આપણા જે કંઇપણ પ્રશ્નો છે. આપણી જે મુશ્કેલીઓ છે. એ મુશ્કેલીઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવી ખૂબજ જરૂરી છે. તમારે આ નિટિફિકેશનના આધારે જે કંઇપણ વાંધો છે એ 60 દિવસમાં નોંધાવી દેજો. આપણી પાસે હવે એક મહિનાનો સમય છે. સંમેલનમાં સમય બગાડવાના બદલે આપણા પ્રશ્નો અને રજૂઆતો છે તે એ સરકારમાં મુકીશું.
