Bhalkatirth Live Darshan: શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકાતીર્થના લાઈવ દર્શન હવે સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરના ભાવિકો સુધી પહોંચાડશે

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 07 Feb 2023 10:14 AM (IST)Updated: Tue 07 Feb 2023 10:14 AM (IST)
live-darshan-of-lord-krishnas-final-resting-place-bhalkatirtha-will-now-be-broadcasted-by-somnath-trust-88460

Somnath Trust: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની સાથે શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકાતીર્થના લાઈવ દર્શન હવે વિશ્વભરમાં ભક્તો ઓનલાઇન માધ્યમથી કરી શકશે. ગિરસોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, પ્રસિદ્ધ કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતાના હસ્તે શ્રીભાલકા લાઈવ દર્શન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિશેષ અવસર પર શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સાથે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિ એક વાક્ય હંમેશા પુનરાવર્તિત કરે છે कृष्णम वंदे जगत गुरु। અર્થાત શ્રીકૃષ્ણ આખા વિશ્વના ગુરુ છે જેમને આપણે વંદન કરીએ છીએ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણએ જ્યાં પોતાના જીવનકાળની અંતિમ લીલાના દર્શન કરાવ્યા એવા ભાલકાતીર્થના લાઈવ દર્શન ભક્તોને ઘરે બેઠા મળી શકે તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કામ કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાલકાતીર્થ લાઈવ દર્શન સેવાનો પ્રારંભ કરાયો છે. આ સેવા અંતર્ગત સોમનાથ ટ્રસ્ટની ઑફિશ્યલ વેબસાઈટ somnath.org તેમજ સોમનાથ ટ્રસ્ટના facebook, youtube સહિતના માધ્યમો પર ભાલકાતીર્થના લાઈવ દર્શન સવારના 6:30 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન અંદાજિત 80 કરોડ લોકો કરી રહ્યા છે. ત્યારે પ્રભાસભૂમિ શ્રીકૃષ્ણની સ્વધામ ગમન ભુમિ છે. શ્રીકૃષ્ણનો મહિમા આ ભૂમિ પર અદભૂત છે. સનાતન સંસ્કૃતિમાં સૃષ્ટિના પાલક ભગવાન પણ પોતાના કર્મોથી ઉપર નથી તે વાતનું ઉત્તમ ઉદાહરણ ભાલકાતીર્થ આ ક્ષેત્રમાં વસેલું છે.

ભાલકા તીર્થ શ્રીકૃષ્ણનું ન્યાય દર્શન
ભાલકા તીર્થ એ જ સ્થળ છે કે જ્યાં શ્રીકૃષ્ણ ચંદ્ર પરમાત્મા પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા અને તેમના પ્રકાશમાન ચરણને હરણ સમજીને જરા નામના પારધીએ બાણ ચલાવ્યું. બાણ શ્રીકૃષ્ણના ચરણમાં લાગેલું જોઈ તે શ્રીકૃષ્ણના ચરણમાં બેસી વિલાપ કરવા લાગ્યો ત્યારે કર્મનો સિદ્ધાંત દર્શાવતા શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે રામ અવતારમાં મેં વાલી સ્વરૂપે તારું વધ કર્યું હતું જેનું ફળ હું કૃષ્ણ અવતારની અંદર ભોગવી રહ્યો છું. આમાં તારો કોઇ દોષ નથી આ કર્મનો સિદ્ધાંત છે. આવી મહાન વિચારધારા માત્ર સનાતન સંસ્કૃતિની હોઈ શકે કે જ્યાં અખિલ બ્રહ્માંડના નાથ પણ પોતાના કર્મોથી ઉપર નથી. જો ભગવાન પણ પોતાના કર્મનું ફળ ભોગવે છે, તે બાબત તમામ વ્યક્તિઓને સત્કર્મ કરવા માટે પ્રેરણા આપે છે.

શ્રદ્ધાળુઓ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટ પાસે શ્રી ભાલકાતીર્થ ખાતે ભાલકેશ્વર શ્રીકૃષ્ણના દર્શન લાઈવ બતાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓના અનુરોધને માન આપીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આધુનિક હાઇ ક્વોલિટી કેમેરા ગોઠવી હાઈ સ્પીડ ઇન્ટરનેટની મદદથી આખી સુચારુ વ્યવસ્થા તૈયાર કરી લાઈવ દર્શન સેવા પ્રારંભ કરવામાં આવી હતી. આમ હવે દેશ-વિદેશના કરોડો ભકતો સોમનાથ મહાદેવની સાથે શ્રીકૃષ્ણના ભાલકા મંદિરના ભાલકેશ્વર સ્વરૂપના લાઈવદર્શન ઓનલાઇન માધ્યમથી કરી શકશે અને સોમનાથ ટ્રસ્ટ વિશ્વ ગુરુ શ્રીકૃષ્ણના દર્શન સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવા માધ્યમ બનશે.

સોમનાથમાં એક સપ્તાહ સુધી ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં જાડા અનાજનું ભોજન પીરસાશે

સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં પ્રતિદિન હજારો શ્રદ્ધાળુ ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે ત્યારે મિલેટ મહોત્સવ અંતર્ગત ભોજનાલયમાં એક સપ્તાહ સુધી જાડા અનાજની વાનગીઓ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદમાં પીરસવામાં આવશે. આ કાર્યક્રમનો પ્રારંભ ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને સોમનાથ ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્ર દેસાઈની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

દેશના ખેડૂતોના સન્માનમાં અને આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક ગ્રહણ કરવાના સંદેશ સાથે મિલેટ મહોત્સવ સોમનાથમાં આગામી એક સપ્તાહ સુધી ચાલશે. મિલેટ મહોત્સવના પ્રથમ દિવસે 1500થી વધુ લોકોએ સોમનાથ મહાદેવનો જાડા અનાજથી બનેલ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન જુદાજુદા જાડા અનાજ દ્વારા બનેલ ભોજન શ્રદ્ધાળુઓને સાંજના સમયે પીરસવામાં આવશે.