Kodinar Minor Conversion Case: ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં સગીરાઓના અપહરણ, ધર્માંતરણ અને દુષ્કર્મના ગંભીર કેસમાં પોલીસને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ બનાવતાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ મહેસાણા જિલ્લાના ઉનાવા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જે પૈકી બે આરોપીઓએ બંને સગીરાઓ પર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ છે.
બંને ભોગ બનનાર સગીરાઓના મેડિકલ રિપોર્ટમાં પણ દુષ્કર્મ થયાની પુષ્ટિ થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કોડીનારની એક સોસાયટીમાં રહેતી મહિલાએ તારીખ 24 ઓક્ટોબર, 2026ના રોજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં પોતાની સગીર પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અલગ-અલગ ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન CCTV કેમેરાનાં ફૂટેજ અને મોબાઇલ ટાવર લોકેશનના આધારે ગુમ થયેલી સગીરા સાથે અન્ય એક સગીરા પણ હોવાની વિગતો સામે આવી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. આ દરમિયાન બંને ભોગ બનનાર સગીરાઓ મહેસાણા જિલ્લાના ઉનાવા ગામની એક દરગાહમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસની ટીમ તાત્કાલિક ઉનાવા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી બંને સગીરાઓને સુરક્ષિત રીતે શોધી કાઢી કોડીનાર લાવવામાં આવી હતી. જે બાદ માતાની હાજરીમાં કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટનાનો ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, સાકીર ઉર્ફે બબલી અતાફભાઈ પઠાણે અબ્દુલ હમીદભાઈ સંધીના કહેવાથી બંને સગીરાઓને ઉનાવા બોલાવી હતી. જ્યાં દરગાહના આસીફ કવાલી ઉર્ફે મરાઠ સાથે તેમની ઓળખાણ કરાવવામાં આવી હતી.
આ દરમિયાન સગીરાઓને હિંદુ ધર્મનો ત્યાગ કરીને ઇસ્લામ ધર્મ અપનાવવા, મુસ્લિમ યુવક સાકીર ઉર્ફે બબલી સાથે લગ્ન કરવા અને અલ્લાહની ઇબાદત કરવા માટે સમજાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત ધર્મ પરિવર્તન કરવાથી તેમનાં તમામ દુઃખ દૂર થશે અને સારી સુવિધાઓ મળશે તેવી લાલચ આપવામાં આવી હોવાની વિગતો પણ ફરિયાદમાં સામે આવી છે.
આરોપીઓ દ્વારા એક સગીરાનું નામ બદલીને 'રોશન તાબા' રાખવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે. જે બાદ તેને કાળો બુરખો પહેરાવી દરગાહમાં ઇસ્લામ ધર્મની ધાર્મિક વિધિ કરાવવામાં આવી હતી. કલમા અને નમાજ પઢાવી ધર્માંતરણ કરાવાયું હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, પોલીસથી બચવા માટે સગીરાઓને મોબાઇલ ફોનનાં સિમકાર્ડ તોડી નાખવા માટે પણ જણાવવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર કેસમાં સૌથી ગંભીર બાબત બંને સગીરાઓ સાથે થયેલા દુષ્કર્મની સામે આવી છે. પોલીસ તપાસ દરમિયાન ઉનાવા ખાતે બંને સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. બંને ભોગ બનનારના મેડિકલ રિપોર્ટમાં પણ દુષ્કર્મ થયાની પુષ્ટિ થઈ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ મામલે બે આરોપીઓ સામે દુષ્કર્મ અને ત્રીજા આરોપી સામે છેડતીના આક્ષેપો સાથે વિવિધ કાયદાકીય કલમો ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં કોડીનાર પોલીસે પ્રાથમિક તબક્કે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં કોડીનારના અબ્દુલભાઈ હાસમભાઈ જોખિયા, ઉનાવાના મહમદ આશીફ અબ્દુલભાઈ અંસારી અને સાકીર હુસેન ઉર્ફે બબલી અતાફભાઈ પઠાણનો સમાવેશ થાય છે. હવે તપાસનો વ્યાપ વધારતાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આમ અત્યાર સુધીમાં આ કેસમાં કુલ છ આરોપીઓ પોલીસની પકડમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આરોપીઓ વચ્ચેની ભૂમિકા, સગીરાઓને ઉનાવા લઈ જવા પાછળનો હેતુ, ધર્માંતરણના આક્ષેપો અને દુષ્કર્મ સહિતના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
