Surat: બ્રાહ્મણ વિરોધી ટિપ્પણી (Anti Brahmin Remark)કરવા બદલ 'ગેંગ્સ ઑફ વાસેપુર'ના ડિરેક્ટર અનુરાગ કશ્યપની (Anurag Kashyap) મુશ્કેલી વધી ગઈ છે. હકીકતમાં સુરતની એક સ્થાનિક કોર્ટે વાંધાજનક પોસ્ટ કરવા બદલ અનુરાગ કશ્યમ સામે વૉરન્ટ ઈશ્યું કર્યું છે. અગાઉ ડિરેક્ટરને અનેક વાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ન્યૂઝ પેપરમાં પણ નોટિસ છપાવીને પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતુ, પરંતુ અનુરાગ કશ્યપ હાજર નહતા રહ્યા.
બ્રાહ્મણોના વિરોધ છતાં પોસ્ટ હટાવી નહીં, ઉલટું વિરોધીઓને ગાળો ભાંડી
સુરત કોર્ટ તરફથી જારી વોરન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ 2025માં અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાહ્મણ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ મૂકી હતી. જેને લઈને ભારે વિરોધ થયો હતો. બ્રાહ્મણ સમાજની અપીલ છતાં અનુરાગ કશ્યપે પોતાની પોસ્ટ હટાવવાની તસ્દી નહતી લીધી. તેમજ પોતાની ટીકા કરનારા લોકો વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
24 ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન
આ સમગ્ર મામલે સુરતના વકીલ કમલેશ રાવલે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સ્થાનિક કોર્ટે અનુરાગ કશ્યમ વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતુ, પરંતુ કશ્યપ કોર્ટમાં હાજર નહતા રહ્યા. ગત 5 સપ્ટેમ્બરે મુંબઈના ન્યૂઝ પેપરમાં નોટિસ પણ છપાવવામાં આવી હતી. આમ છતાં અનુરાગ કશ્યપે નોટિસનો કોઈ જવાબ નહતો આપ્યો. આખરે કોર્ટે હવે વોરન્ટ જારી કરીને 24 ડિસેમ્બરે હાજર રહેવાનો હુકમ કર્યો છે.
અનુરાગ કશ્યપે પાછળથી માફી માંગી
ગત વર્ષે એપ્રિલ મહિનામાં અનુરાગ કશ્યપે બ્રાહ્મણો વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યાં બાદ સોશિયલ મીડિયામાં તેમને ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા. જો કે ટ્રોલિંગ બાદ ડિરેક્ટરે પાછળથી એક પોસ્ટ કરીને માફી માંગી લીધી હતી અને જણાવ્યું હતું કે, તેણે ગુસ્સામાં પોતાની મર્યાદા ઓળંગી હતી. જે બાદ સુરત સહિત દેશના અનેક શહેરોમાં અનુરાગ કશ્યપ સામે ફરિયાદો નોંધવામાં આવી હતી.
