Ambani Family :મુકેશ અંબાણીએ નૂતન વર્ષ નિમિત્તે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં, રૂપિયા 5 કરોડનું દાન આપ્યું

સોમનાથ મંદિરમાં અંબાણી પરિવારે મહાદેવને ગંગાજલ અભિષેક કરી,પૂજા સામગ્રી અર્પણ કરી હતી.આ પુનિત અવસરે તેઓએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કુલસોમેશ્વર મહા પૂજા કરી

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 02 Jan 2026 10:13 PM (IST)Updated: Fri 02 Jan 2026 10:13 PM (IST)
industrialist-mukesh-ambani-visited-somnath-mahadev-with-his-family-on-the-occasion-of-new-year-donated-rs-5-crore-667007

Ambani Family At Somnabth Temple:દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પત્ની નીતા અંબાણી તથા દીકરા અનંત સાથે નવા વર્ષના શરૂઆત નિમિત્તે સોમનાથ મંદિરની આજે મુલાકાત લીધી હતી અને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.

અંબાણી પરિવાર હેલિકોપ્ટર મારફતે સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા.આ સાથે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આજે સોમનાથ મંદિર ખાતે રૂપિયા 5 કરોડનું દાન પણ આપ્યું છે. આ અગાઉ મંદિર ખાતેના પુજારી દ્વારા અંબાણી પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાસ્ત્રોક્ત પૂજાનો લ્હાવો:
નૂતન વર્ષના મંગલમય પ્રારંભે સોમનાથ મંદિરમાં અંબાણી પરિવારે મહાદેવને ગંગાજલ અભિષેક કરી, પૂજા સામગ્રી અર્પણ કરી હતી. આ પુનિત અવસરે તેઓએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કુલસોમેશ્વર મહા પૂજા કરી હતી. આ ઉપરાંત, 'ધ્વજા પૂજા' અને ભક્તોમાં જેનું વિશેષ મહત્વ છે તેવી 'પાઘ પૂજા' કરીને રાષ્ટ્રની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

દર્શન બાદ, સમગ્ર પરિવારે ભારતીય પ્રાચીન સંસ્કૃતિના વિજ્ઞાનિક અને ભૌગોલિક વારસાના અદભુત પ્રતિક સમાન ‘બાણ સ્તંભ’ની મુલાકાત લીધી હતી. જ્યાથી પૃથ્વીના દક્ષિણ ધ્રુવ સુધી કોઈ ભૂમિ ભાગ નથી આવતો તેવા અબાધિત સમુદ્રમાર્ગ દર્શાવતા આ સ્તંભને નિહાળી અંબાણી પરિવારે ભારતની ભવ્ય વૈજ્ઞાનિક વિરાસત પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું હતું.

રૂપિયા 5 કરોડનું દાન
સેવા પરમો ધર્મની ભાવનાને સાર્થક કરતા મુકેશ અંબાણીએ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલતા લોક કલ્યાણના કાર્યો અને કરોડો શ્રદ્ધાળુઓ માટેની યાત્રીલક્ષી સુવિધાઓના વિકાસ કાર્યો હેતુ રૂપિયા 5 કરોડ ‘શિવાર્પણ’ કર્યું હતું. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશ ચાવડા એ અંબાણી પરિવારનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.