Holi 2026: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે હોલિકા ઉત્સવની એક અનોખી અને પર્યાવરણલક્ષી ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે લાકડાના દહન દ્વારા હોલિકા પ્રગટાવવાની પરંપરા વચ્ચે, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના LiFE (Lifestyle for Environment) અભિગમને સાર્થક કરતા વૈદિક હોલિકા દહનનું ભવ્ય આયોજન ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
ભવ્ય વૈદિક અર્પણ યાત્રા
ઉત્સવની શરૂઆત સોમનાથ મંદિરથી ચોપાટી ગ્રાઉન્ડ સુધીની એક ભવ્ય વૈદિક અર્પણ યાત્રા દ્વારા થઈ હતી. સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ઢોલ, શરણાઈ અને ડમરૂના મંગલ નાદ સાથે આ યાત્રા યોજાઈ હતી. જેમાં 21 પ્રકારના વિવિધ આહુતિ દ્રવ્યોના થાળને સુશોભિત કરીને વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા સ્થળ સુધી લાવવામાં આવ્યા હતા.
વૈદિક સામગ્રીનો ઉપયોગ અને પૂજન
ટ્રસ્ટના ઇન. જનરલ મેનેજર અજયકુમાર દુબેના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે હોલિકાનું પૂજન અને પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ હોલિકા દહનની વિશેષતા એ હતી કે તેમાં લાકડાનો નહિવત ઉપયોગ કરી પર્યાવરણને શુદ્ધ કરતી સામગ્રીઓનો ઉપયોગ થયો હતો:
- ગૌમય શક્તિ: ટ્રસ્ટની ગૌશાળાની ગીર ગાયના શુદ્ધ છાણ (છાણા)નો ઉપયોગ.
- ઔષધિય દ્રવ્યો: ગીર ગાયનું ઘી, સમિધ કાષ્ટ, કપૂર અને વિવિધ આયુર્વેદિક ઔષધિઓ.
- માંગલિક દ્રવ્યો: તલ, ધાણી અને સાત પ્રકારના પવિત્ર અનાજની આહુતિ.
ડિજિટલ માધ્યમથી હજારો ભક્તોની સહભાગિતા
આ વર્ષે ટ્રસ્ટ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી ભક્તોને ઘરે બેઠા જોડાવાની તક આપવામાં આવી હતી. હજારો શ્રદ્ધાળુઓએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ Somnath.org પર માત્ર ₹21 જેવી ટોકન રકમ અર્પણ કરી ઓનલાઈન આહુતિ નોંધાવી હતી. આ તમામ ભક્તોને SMS દ્વારા લાઈવ દર્શનની લિંક મોકલી ઘરે બેઠા હોલિકા દહનના સાક્ષી બનવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, જેને ભક્તો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.
પર્યાવરણ અને સ્વાસ્થ્યનું વિજ્ઞાન
શાસ્ત્રોક્ત અને આયુર્વેદિક દ્રષ્ટિએ આ સામગ્રીઓના દહનનું વિશેષ મહત્વ છે. આ દ્રવ્યોના પ્રજ્વલિત થવાથી વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાયુ શુદ્ધ બને છે. આ પ્રક્રિયા વાત, પિત્ત અને કફ જેવા શારીરિક દોષોને સંતુલિત કરવામાં અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં મદદરૂપ થાય છે.
યુવા પેઢીમાં ઉત્સાહ
વૈદિક સંસ્કૃતિને આધુનિક સમયમાં કેવી રીતે પ્રસ્તુત કરી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ હતું. ખાસ કરીને યુવા પેઢીમાં આ વૈદિક પદ્ધતિ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને લઈ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશો તેમજ દેશ-વિદેશથી આવેલા પ્રવાસીઓએ પણ આ પવિત્ર અગ્નિમાં આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી.
