Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે પારિવારિક ઝઘડા અને નશાની હાલતમાં એક 19 વર્ષીય યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે પતકાઈનેઆત્મહત્યા કરી લીધી હોવાની સળગતી ઘટના સામે આવી છે. હોસ્પિટલ પરિસરમાં બનેલી આ સનસનાટીપૂર્ણ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નિપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી પડતું મૂકીને એક યુવકે આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.આ ઘટનાના પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી જવા પામી હતી.
યુવક વહેલી પરોઢે ચાર વાગ્યાના અરસામાં હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજે વહેલી પરોઢે ચાર વાગ્યાના અરસામાં એક યુવક નશાની હાલતમાં હોસ્પિટલના પરિસરમાં આવી પહોંચ્યો હતો. જ્યાંથી લથડિયા ખાતો-ખાતો તે હોસ્પિટલના ત્રીજા માળે પહોંચીને ગેલેરીની રેલિંગની દિશામાં આગળ વધ્યો હતો. આ સમયે ત્યાં ઉપસ્થિત હોસ્પિટલ સ્ટાફે તેને લથડિયા ખાતો જોઈને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જોત-જોતામાં યુવક ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે કૂદી પડ્યો હતો.
પરિસરમાં નીચે પટકાતા જ હોસ્પિટલમાં અફરા-તફરી મચી ગઈ હતી. આ સમયે હોસ્પિટલમાં ઉપસ્થિત સ્ટાફ તાત્કાલિક યુવકની નજીક દોડી આવ્યો હતો અને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક તેને સારવાર માટે ઈમરજન્સી વોર્ડમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતુ.
પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ વેરાવળના મફતિયાપરા રિંગ રોડ વિસ્તારમાં રહેતા કરણ સોલંકી (17) તરીકે થઈ છે. કરણ ઘરમાં ચાલતા પારિવારિક ઝઘડાના કારણે ભારે તણાવમાં હોવાથી નશાની હાલતમાં અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
