Gir Somnath: પાલડીમાં દરિયાની ખાડીમાં માછલી પકડવા ગયેલા ભાઈ-બહેન ડૂબ્યા, સ્થાનિક તરવૈયાઓએ ભાઈને બચાવ્યો; બહેનનો મૃતદેહ હાથ લાગ્યો

ગીર સોમનાથના પાલડી ગામે ધનતેરસની સાંજે માછલી પકડવા ગયેલા પિતરાઈ ભાઈ-બહેન દરિયાની ખાડીમાં ડૂબી ગયા. સ્થાનિક તરવૈયાઓએ ભાઈને બચાવ્યો, પરંતુ બહેનનો મૃતદેહ મળતા પરિવાર અને ગામમાં શોક છવાઈ ગયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Nov 2026 11:41 PM (IST)Updated: Fri, 06 Nov 2026 11:41 PM (IST)
gir-somnath-news-tragic-drowning-incident-in-paldi-creek-claims-life-of-young-girl
vadodara-anodiya-canal-suicide-news-drown-to-death-1793886477447.webp

Gir Somnath News: ધનતેરસ પર્વની સમી સાંજે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામે હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં દરિયાની ખાડીમાં માછલી પકડવા ગયેલા પિતરાઈ-ભાઈ બહેન તણાઈ ગયા હતા. જે પૈકી સ્થાનિક તરવૈયાઓએ ભાઈને બચાવી લીધો છે, પરંતુ બહેનનો મૃતદેહ હાથ લાગતા ગામ સહિત પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઉના તાલુકાના પાલડી ગામમાં રહેતો કમલેશ સોલંકી (14) અને તેની પિતરાઈ બહેન વર્ષા સોલંકી (14) ગામના અન્ય બાળકો સાથે દરિયાની ખાડીમાં માછલી પકડવા ગયા હતા. આ દરમિયાન ઊંડાઈનો અંદાજ ના રહેતા કમલેશ અને વર્ષા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ સમયે અન્ય બાળકોની બૂમો સાંભળીને ગ્રામજનો દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ બાળકોને બચાવવા માટે ખાડીમાં કૂદી પડ્યા હતા. આ દરમિયાન કમલેશને બચાવીને હેમખેમ પાણીની બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઊંડા પાણીમાં ગરક થઈ ગયેલી વર્ષાનો ભારે જહેમત બાદ માત્ર મૃતદેહ જ હાથ લાગ્યો હતો.

જે બાદ બાળકીના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ અર્થે ઉના સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાં જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ સરપંચ સહિતના અગ્રણીઓ સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. દિવાળીના તહેવારો ટાણે બનેલી આ ઘટનાના કારણે સોલંકી પરિવાર તેમજ નાના એવા પાલડી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.