મહેસાણા મનપાની મોટી જાહેરાતઃ દિવાળીથી ભાઈબીજ સુધી તમામ નાગરિકો સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકાશે

મહેસાણા મનપાએ દિવાળીથી ભાઈબીજ સુધી શહેરીજનો માટે સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરી છે. મેયર સોનલ ઓઝાએ આ નિર્ણયની ઘોષણા કરી, જેનો હેતુ તહેવારોમાં નાગરિકોને આર્થિક રાહત અને સુવિધા આપવાનો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Nov 2026 11:05 PM (IST)Updated: Fri, 06 Nov 2026 11:05 PM (IST)
mehsana-municipal-corporation-announces-free-city-bus-ride-for-diwali-2026

Mehsana Free City Bus Service Diwali: મહેસાણા મનપા દ્વારા શહેરીજનો માટે દિવાળીના પર્વ નિમિત્તે વિશેષ સુવિધાની ભેટ આપવામાં આવી છે. જે અંતર્ગત દિવાળીથી ભાઈબીજ સુધીના ચાર દિવસ દરમિયાન શહેરના નાગરિકોને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી માણી શકશે. મહેસાણાના મેયર સોનલ ઓઝા દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે.

દિવાળીના તહેવારો દરમિયાન લોકો પોતાના પરિવારજનો સાથે સરળતાથી અવરજવર કરી શકે અને તેમના પર વધારાનો આર્થિક બોજો ના પડે, તે હેતુથી મહેસાણાના મેયર દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 8 થી 11 નવેમ્બર સુધીના 4 દિવસ દરમિયાન મહેસાણા સિટી બસની કોઈપણ બસમાં મુસાફરો પાસેથી ટિકિટના પૈસા નહીં લેવામાં આવે.

આ અંગે વિગતો આપતા મેયર સોનલ ઓઝાએ જણાવ્યું કે, સામાન્ય નાગરિકોના જીવનને વધુ સરળ અને સુખત બનાવવો એ પણ શહેરના વિકાસનો મહત્ત્વનો ભાગ છે. દિવાળીના તહેવારો દરમિયાન લોકો પોતાના પરિવાર સાથે ખરીદી કરવા, સ્વજનોને મળવા અવરજવર કરતાં હોય છે.

આથી મહેસાણા મનપાની આ પહેલથી શહેરના નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે. તેમજ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધવાની સાથે-સાથે લોકોને પણ સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળી રહેશે. આ સાથે જ મેયરે મહેસાણાના તમામ નાગરિકોને દિવાળીના ચાર દિવસ નિઃશુલ્ક સિટી બસ સેવાનો લાભ લેવા માટે અપીલ કરી છે.