Mehsana: લાંઘણજમાં શાળાથી ઘરે જતી સગીરાનું અપહરણ, યુવકે જાનથી મારી નાંખવાની ધમકી આપી કારમાં જ દુષ્કર્મ આચર્યું

લાંઘણજ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી શાળામાં અભ્યાસ કરતી સગીરાને ઘરે મૂકી જવાના બહાને કારમાં અપહરણ કરીને યુવક અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેના મિત્રએ બહાર વૉચ રાખી હતી, જ્યારે તેણે કારમાં સગીરા સાથે બળજબરીથી સબંધ બાંધ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Nov 2026 11:57 PM (IST)Updated: Thu, 05 Nov 2026 11:57 PM (IST)
mehsana-news-minor-girl-kidnapped-in-thar-and-raped-two-booked-in-langhanj

Mehsana: મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ મથકની હદ વિસ્તારમાં સગીરાનું કારમાં અપહરણ કરીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે લાંઘણજ પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 3 નવેમ્બરના રોજ બપોરના સમયે શાળા છૂટ્યા બાદ સગીરા પોતાના ઘર તરફ જઈ રહી હતી. આ દરમિયાન કડીમાં રહેતો દર્શન રબારી નામનો યુવક થાર ગાડી લઈને આવ્યો હતો, જેણે સગીરાને આંતરીને ઘરે મૂકી જવાનું કહીને પોતાની ગાડીમાં બેસાડી દીધી હતી.

મિત્રએ બહાર વોચ રાખી જ્યારે આરોપીએ કારમાં સગીરાનો દેહ ચૂંથ્યો

સગીરાને તેના ઘરે મૂકવા બદલે દર્શને પોતાની કાર અમદાવાદ તરફ મારી મૂકી હતી. આ દરમિયાન રસ્તામાં તેણે પોતાના મિત નામના મિત્રને પણ ગાડીમાં બેસાડી લીધો હતો. જે બાદ કારને એક અવાવરું જગ્યાએ લઈ જઈને સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જે બાદ મિત ગાડીની બહાર વૉચ રાખી હતી, જ્યારે દર્શને થાર ગાડીમાં જ સગીરા સાથે બળજબરીથી શારીરિક સબંધ બાંધ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સગીરાના વાલી દ્વારા લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.