Legal News: સોમનાથ મંદિર આસપાસ નોનવેજ વેચવા પર પ્રતિબંધ અંગે 'સુપ્રીમ' સુનાવણી, હાઈકોર્ટનો સ્ટે યથાવત

આ કેસમાં ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજે જાહેરનામું રદ્દ કર્યું હતું. જોકે, ડબલ જજની બેન્ચે અગાઉના આદેશ પર સ્ટે મૂક્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 06 Nov 2026 05:27 PM (IST)Updated: Fri, 06 Nov 2026 05:27 PM (IST)
somnath-temple-non-veg-food-ban-intact-gujarat-high-court-and-supreme-court-hearing

Somnath Non-Veg Food Ban: ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ સોમનાથ મંદિર આસપાસના ચોક્કસ વિસ્તારમાં નોન-વેજ ખોરાકના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકતા રાજ્ય સરકારના જાહેરનામા મામલે કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. આ કેસમાં સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજે રાજ્ય સરકારનું જાહેરનામું રદ્દ કર્યું હતું. જોકે, ડબલ જજની બેન્ચે અગાઉના આદેશ પર સ્ટે મૂક્યો હતો.

સોમનાથ મંદિર આસપાસ 6 નોન-વેજ રેસ્ટોરન્ટ ધરાવતા માલિકોએ ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા 10 ઓગસ્ટના જાહેરનામાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યોહતો. આ કેસમાં શરૂઆતમાં હાઈકોર્ટના સિંગલ જજે સોમનાથ મંદિર આસપાસ નોનવેજ નહીં વેચવાના જાહેરનામાને રદ્દ કર્યું હતું.

જોકે, રાજ્ય સરકારે તુરંત જ આ હુકમ સામે એક્ટિંગ ચીફ જજની ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી, જેના પર સુનાવણી કરતા હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે સિંગલ જજના હુકમ પર સ્ટે આપી દીધો હતો. હાઈકોર્ટની ડબલ જજ બેન્ચ દ્વારા આપવામાં આવેલા આ સ્ટે સામે અરજદારો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.

અરજદારના વકીલ અસરાર મન્સૂરીના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે અપીલને 2 મહિનાના સમયગાળામાં ઝડપથી પતાવવા માટે હાઈકોર્ટને નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના સ્ટે અંગે કોઈ નવો આદેશ કે હુકમ કર્યો ન હોવાથી, ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલો સ્ટે યથાવત રહેશે. પરિણામે, સોમનાથ મંદિર આસપાસ નોનવેજ વેચાણ પર પ્રતિબંધ હાલ પૂરતો ચાલુ રહેશે.

આ કાનૂની વિવાદ વચ્ચે સ્થાનિક મામલતદારની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. અરજદારોના જણાવ્યા અનુસાર, જ્યારે 7 ઓક્ટોબરના રોજ હાઈકોર્ટમાં આ કેસની પહેલી સુનાવણી થઈ રહી હતી, તે જ દિવસે મામલતદારે 6 અરજદાર પાસે પોલીસ ચોકીમાં એક કબૂલાતનામા પર સહી કરાવી લીધી હતી.

કબૂલાતનામામાં લખાવવામાં આવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં નોનવેજ ખોરાક નહીં વેચે અને માત્ર શાકાહારી ચીજ વસ્તુઓનો જ વેપાર કરશે. હાઈકોર્ટે આ બાબતે સરકારને સવાલ પણ કર્યો હતો કે જ્યારે હાઈકોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી તે જ દિવસે મામલતદારે આ રેસ્ટોરન્ટ માલિકોનીસહીઓ શા માટે લીધી હતી?