Gir Somnath: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તા.8 થી 11 જાન્યુઆરી દરમિયાન 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની (Somnath Swabhiman Parv) ભવ્યાતિભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીએ આજના તેમના વક્તવ્યમાં પણ લોકોની શ્રદ્ધા આસ્થા અને ભગવાન ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટેનો ભાવ વ્યક્ત કર્યો હતો. લોકોની લાગણી અને માગણી ધ્યાનમાં રાખી અને આ પર્વની ઉજવણી તા.15 જાન્યુઆરી સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આ અંગે વિગતો આપતા સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઐતિહાસિક રીતે ઉજવણી થઈ રહી છે. આ પર્વ અન્વયે વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ 'શૌર્યયાત્રા'માં એક લાખ કરતા વધુ લોકો સહભાગી થયા હતાં અને ભગવાન શિવની ભક્તિમાં લોકો લીન થયા હતાં.
તા.8 થી 11 જાન્યુઆરી સુધી જે રીતે કાર્યક્રમો યોજાયાં હતાં. એ જ શૃંખલામાં તા.15 જાન્યુઆરી સુધી આ અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેમાં સમગ્ર ભારત દેશમાંથી શ્રદ્ધાળુઓ સહભાગી થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્રના સફળ પ્રયત્નોને કારણે આ પર્વ સફળતાથી ચાલ્યું છે. ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓને અનેકવિધ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર સાથે રોશનીનો રોમાંચ પણ માણવા મળશે.
આ પર્વ અન્વયે વડાપ્રધાનની ગરીમામય ઉપસ્થિતિમાં 72 કલાકનો અખંડ ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો અને 108 અશ્વોની શૌર્ય યાત્રા તેમજ વિવિધ રાજ્યો માંથી સોમનાથ ખાતે પધારેલા કલાકારોની અનેકવિધ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
ભારતીય સંસ્કૃતિના વારસા અને વિરાસતને પુનઃસ્થાપિત કરતા આ ધાર્મિક પ્રસંગને દેશભરના વધુમાં વધુ લોકો માણી શકે એ માટે તારીખ 15 જાન્યુઆરી સુધી આ પર્વ લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
