Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના દુષ્કર્મ કેસના આરોપીએ પોલીસ જાપ્તામાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કેશોદ હાઈવે પરની હોટલમાં લઘુશંકાના બહાને બાથરૂમમાં જઈને એસિડ પી લીધુ હતુ. હાલ તો આરોપીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામમાં રહેતા અમર જીકાણીએ આજથી દોઢેક વર્ષ પૂર્વે પોતાની ઓળખ ધવલ તરીકે આપીને યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. અમર જીકાણી ઉર્ફે ધવલે યુવતીને લગ્નની લાલચ આપીને અમદાવાદ અને વેરાવળની હોટલોમાં શરીર સબંધ બાંધ્યા હતા. જો કે યુવતીએ લગ્ન માટે દબાણ કરતાં અમરે ઈનકાર કરી દીધો હતો અને તેની સાચી ઓળખ સામે આવી હતી. આથી આ મામલે યુવતીએ અમર જીકાણી ઉર્ફે ધવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધ્યો હતો.
આ મામલે તપાસ કરી રહેલી ગીર સોમનાથ પોલીસને બાતમી મળતા તેમણે અમદાવાદથી આરોપી અમર જીકાણીને ઝડપી પાડ્યો હતો. જ્યાંથી તેને વેરાવળ લાવતી વખતે કેશોદ હાઈવે ઉપરની હોટલના બાથરૂમમાં લઘુશંકા માટે લઈ જવાયો હતો.
આ સમયે બાથરૂમમાં રહેલું એસિડ પીને આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ફરજ બજાવી રહેલા પોલીસ જવાનોનું ધ્યાન જતાં તેમણે બોટલ ખેંચી લીધી હતી. જેથી એક પોલીસ કર્મચારી ચહેરાના ભાગે દાઝ્યો હતો. જ્યારે આરોપીને સૌ પ્રથમ કેશોદની હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાતા રાજકોટની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
