Gir Somanth News: આજથી દોઢેક મહિના પૂર્વે નવા બંદર મરીન પોલીસે દરિયાઈ માર્ગે સૌરાષ્ટ્રમાં થતી દારૂની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે નવા બંદર પોલીસે રૂ. 56.17 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે સગીર સહિત 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કેસની તપાસ કરી રહેલી ગીર સોમનાથ પોલીસને મોટી સફળતા સાંપડી છે. જેમાં પોલીસની ટીમે દમણથી મુખ્ય સુત્રધાર સહિત વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે.
આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની તપાસમાં રોનક ટંડેલ (રહે. દાંડી ગામ, વલસાડ)નું નામ સામે આવતા તેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગુનાના આરોપીઓના રિમાન્ડ દરમિયાન દારુનો જથ્થો પુરો પાડનાર મુખ્ય સુત્રધાર આશિષ ઉર્ફે અજય ટંડેલ (રહે. નાની દમણ) અને નિતેષ રાજપૂત (રહે. વલસાડ)નું નામ સામે આવ્યું હતુ.
આથી પોલીસની ટીમે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા. જે અંતર્ગત ગીર સોમનાથ પોલીસની એક ટીમ વલસાડ પહોંચી હતી. જ્યાં ટેક્નિકલ એનાલિસિસના આધારે બન્ને આરોપીઓનું પગેરું મેળવીને તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું ખુલ્યું છે. જે પૈકી આરોપી આશિષ વિરુદ્ધ વલસાડ, વેરાવળ, ડુંગરી, કોડિનાર અને સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુના નોંધાયેલા છે. જ્યારે અન્ય નિતેશ રાજપૂર વિરુદ્ધ પણ પારડી, વાપી અને નવસારી રુરલ સહિતના પોલીસ સ્ટેશનમાં 7 જેટલા અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. હાલ તો પોલીસે બન્ને આરોપીઓને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
