Gir Somnath: સુત્રાપાડામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, 2 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 26 Aug 2023 08:08 PM (IST)Updated: Sat, 26 Aug 2023 08:09 PM (IST)
gir-somnath-news-government-foodgrain-seized-accused-on-one-day-remand

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે આવેલ ભાગ્યલક્ષ્મી સિડસ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી થોડા દિવસો અગાઉ ઝડપાયેલ સરકારી અનાજના જથ્થા મામલે પોલીસે કારખાનાના સંચાલક સહિત 2 શખ્સોની ધરપકડ કરી હતા. જેમને કોર્ટમાં રજૂ કરતા બન્ને આરોપીઓને રિમાન્ડ ઉપર સોપેલ છે.

ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોને આપવાનું સરકારી અનાજને સગેવગે કરી સુયોજીત રીતે બારોબાર વેચી મારવાના કૌભાંડનો થોડા દીવસો અગાઉ વેરાવળના પ્રાંત અધિકારી કે.વી.બાટી એ પર્દાફાશ કરી સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે પીખોર રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સિડ્સ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પર ટીમ મારફતે દરોડો પાડતા, ત્યાં પડેલ રેશનીંગના અનાજનો જથ્થો જોઇ અધિકારીઓ પણ ચોકી ઉઠયા હતા. કારખાનામાંથી સરકારી માર્કા અને સીલાય વાળા ઘઉ, ચોખા, ચણા અને સોયાબીનના કુલ 693 (50 કીલો) ના બાચકાઓમાં રહેલ 34,650 કિલો અનાજનો જથ્થો મળી આવતા સીઝ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સ્થળ ઉપરથી ટ્રેકટર, ટ્રોલી અને બોલેરો પીકઅપ વાહન મળી આવેલ હતા.

આ સમગ્ર કૌંભાડ અંગે તપાસના અંતે સુત્રાપાડા મામલતદાર પરેશભાઈ કરગઠિયાએ ભાગ્યલક્ષ્મી સિડસ કારખાનાના સંચાલક મુકેશ લાખા ઝાલા તેમજ તપાસમાં જે ખુલે તેવા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવેલ કે, સરકારના એન.એફ.એસ. અંતર્ગત લોકોને ફાળવવામાં આવતા અનાજનો જથ્થો સરકારી સીલાઇ વાળો ઘઉ 4 હજાર કીલો કીં.રૂા.1.08 લાખ, ચોખા 3850 કીલો કિં..1.7 લાખ, ચણા 900 કીલો કિ.રૂ.63 હજાર, મળી કુલ જથ્થો 8750 કિલો કિં 2.78 લાખ તથા હાથ સીલાઇ વાળો ઘઉ, ચોખા, ચણા, કુલ જથ્થો 22,400 કિલો કિં.રૂ.6.24 લાખ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના હેતુ માટે સગ્રહ કરેલ અને આ જથ્થાની હેરાફેરી અંગેના કોઇ બિલ ન રાખી સ્ટોક અને ભાવ યાદી પ્રદર્શિત ન કર્યા હોવાનો ગુન્હો કરેલ હતો.

આ મામલે સુત્રાપાડા પોલીસે તપાસ હાથ ધરી ગઈકાલે મુખ્ય આરોપી કારખાનાનો સંચાલક મુકેશ લાખાભાઈ ઝાલા ઉ.વ.33 તેમજ પ્રાસલી ગામના હરેશ ઉર્ફે હિતેશ ગીગાભાઈ બારડ ઉ.વ.22 ની ધરપકડ કરી સુત્રાપાડા કોર્ટમાં રજૂ કરતા બન્ને આરોપીના એક દિવસના રિમાન્ડ ઉપર સોપેલ હતા. આ મામલાની તપાસમાં આરોપી મુકેશ ઝાલાએ પોતાના કારખાનામાંથી મળી આવેલ સરકારી અનાજનો જથ્થો વેરાવળ ગોડાઉનના પ્રતિનિધિ પ્રદીપ નામના ઇસમે મોકલાવેલ હોવાનું જણાવેલ છે જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.