Gir Somanth: ઉનામાં આધેડનો આપઘાત, ગામના કૂવામાં ઝંપલાવી જીવ દીધો

મૃતક ગફારભાઈએ એક દીકરીના લગ્ન કરવા માટે રૂ. 2 લાખનું દેવું કર્યું હતુ. જો કે કમોસમી વરસાદના કારણે પાક ધોવાઈ જતાં દસેક દિવસથી તણાવમાં રહેતા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 04 Nov 2025 04:48 PM (IST)Updated: Tue, 04 Nov 2025 11:04 PM (IST)
gir-somnath-news-middle-age-man-commit-suicide-by-jump-into-well-at-ravad-village
HIGHLIGHTS
  • રેવદ ગામના બનાવથી અરેરાટી
  • ચાર દીકરી સહિત 5 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Gir Somnath: ગુજરાતમાં ચોમાસા બાદ પણ માવઠાનો માર ખેડૂતો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ભાણવડ બાદ હવે ઉના તાલુકાના રેવદ ગામે આધેડે આપઘાત કરી લેતા નાના એવાં ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કમોસમી વરસાદના કારણે ઉના તાલુકાના રેવદ ગામના આધેડ ગફારભાઈ મુસાભાઈ ઉનડજામનો પાક નિષ્ફળ ગયો હતો. આથી દેવું કઈ રીતે ચૂકવવું તેની ભારે ચિંતામાં મુકાયેલા ગફારભાઈએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હતો.

જેમાં ખેડૂત ગફારભાઈએ પોતાના પેટે લોખંડનું એંગલ અને મોટો પથ્થર બાંધીને ગામના 50 ફૂટ ઊંડા કૂવામાં ઝંપલાવ્યું હતું.જેમાં તેમનું મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતક ગફારભાઈના પરિવારમાં તેમને સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો છે.

પરિવારજનોના જણાવ્યા મુજબ, ગફારભાઈએ એક દીકરીના લગ્ન કરવા માટે રૂ. 2 લાખનું દેણું પણ કર્યું હતું. છેલ્લા દસેક દિવસથી તેઓ ભારે તનાવભરી સ્થિતિમાં જોવા મળતા હતા. કમોસમી વરસાદના કારણે પાકનું ધોવાણ થતાં દેવું ચુકવવાની ચિંતામાં જ તેમણે જીવ ગુમાવ્યો હતો. ગફારભાઈના મોતથી તેમના પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં જ ઉનાના મામલતદાર, પોલીસ અધિકારીઓ અને આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.