તાલાલામાં ત્રિપલ અકસ્માતઃ બેકાબુ આઈસર ટ્રકે બાઈક અને છકડો રિક્ષાને ઉલાળ્યા, ફૂટબૉલ માફક ફંગોળાયેલા કાકા-ભત્રીજા સહિત 3ના દર્દનાક મોત

ગોળનો જથ્થો ભરીને તલાલા તરફ જઈ રહેલ આઈસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા નારિયેળ ભરેલી છકડો રિક્ષાને અડફેટે લીધા બાદ બાઈક સવાર કાકા-ભત્રીજાને કચડી નાંખ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 06 Jan 2026 06:44 PM (IST)Updated: Tue, 06 Jan 2026 06:45 PM (IST)
gir-somnath-news-3-killed-in-triple-accident-at-talala-over-speed-truck-hits-bike-and-rickshaw
HIGHLIGHTS
  • સુરવા-માધુપુર ગામ વચ્ચે આવેલ ચૈતન્ય હનુમાન મંદિર નજીક અકસ્માત સર્જાયો
  • ચગદાઈ જવાથી રિક્ષા ચાલકનું મોત, પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચી

Gir Somanth: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સુરવા અને માધુપુર ગામ વચ્ચે આજે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આઈસર ટ્રક, છકડો રિક્ષા અને બાઈક ધડાકાભેર ભટકાટા 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જે પૈકી જાવંત્રી ગામના સગા કાકા-ભત્રીજાએ જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, એક આઈસર ટ્રક આંકોલવાડીથી ગોળનો જથ્થો ભરીને તલાલા તરફ જઈ રહી હતી. આ દરમિયાન સુરવા-માધુપુર વચ્ચે આવેલા ચૈતન્ય હનુમાન મંદિર નજીક આઈસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલી આઈસરે સૌ પ્રથમ નારિયેળ ભરેલી છકડો રિક્ષાને અડફેટે લીધી હતી. જે બાદ આઈસરે સામેથી બાઈક પર આવી રહેલા કાકા-ભત્રીજાને કચડી નાંખ્યા હતા.

આઈસરની ભયાનક ટક્કરથી બાઈક ફંગોળાઈને ખેતરમાં પડ્યું હતુ, જ્યારે બાઈક પર સવાર કાકા-ભત્રીજા રોડ પરથી ફૂટબૉલની માફક ઉછળીને સીધા નજીકના ખેતરમાં પટકાયા હતા. આ અકસ્માતમાં બાઈક સવાર કાકા-ભત્રીજાને ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.

બીજી તરફ નારિયેળ ભરેલી છકડો રિક્ષા પણ રોડ પર ગુલાંટ ખાઈ ગઈ હતી, જેનો ચાલક પણ ચગદાઈ જવાથી મોતને ભેટ્યો હતો. જ્યારે રિક્ષામાં સવાર તેના પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ આ બનાવની જાણ થતાં માધુપુર ગીરના સમાજિક આગેવાન વિજય હીરપરા, ગ્રામજનો અને તલાલા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. હાલ તો પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે તાલાલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જ્યારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ દીક્ષિત દિલીપ વાડોદરિયા, પ્રભુદાસ ધીરુભાઈ વાડોદરિયા (રહે. જાવંત્રી, તાલાલા) અને કિશોર હરીભાઈ મારડિયા (રહે. તાલાલા) તરીકે થઈ છે. જે પૈકી બાઈક સવાર દીક્ષિત અને પ્રભુદાસ સબંધે કાકા-ભત્રીજા હતા. જેમના અકાળે અવસાનથી તલાલા પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે.