Gir Somnath: ઉનામાં પ્રેમ પ્રકરણના ડખ્ખાનો ખાર રાખી પાંચ શખ્સોએ બે મિત્રોની આંખમાં મરચાની ભુકી છાંટી ધોકા પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. હુમલાખોર શખ્સને ઈજાગ્રસ્ત યુવકના ભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાથી હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઉનામાં આવેલા રામનગર વિસ્તારમાં રહેતાં રવિ દેવચંદભાઈ બામણીયા (27) અને તેનો મિત્ર કેવલ ચંદુભાઈ વાજા (21) સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઉનામાં આવેલા સ્મશાન પાસે બેઠા હતાં.
આ સમયે અક્ષય, રાજ અને સુજલ સહિતનાં અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી આંખમાં મરચાની ભુકી છાંટી ધોકા અને પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત રવિ બામણીયાના નાના ભાઈની પત્ની સાથે હુમલાખોર અક્ષયને પ્રેમ સંબંધ હતો. જે અંગે બે માસ પૂર્વે જાણ થતાં બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જે પ્રેમ પ્રકરણના ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે ઉના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
