ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભઃ 4 જૂન સુધી અમદાવાદ સહિત 9 જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની માવઠા વરસશે

ઉત્તર-મધ્ય ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાશે. સુસવાટા મારતો ભારે પવન ફૂંકાવાથી મકાનોના છાપરા ઉડવા, હોર્ડિંગ પડવા અને વૃક્ષો ધરાશાયી જેવા બનાવો બની શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 30 May 2026 10:53 PM (IST)Updated: Sat, 30 May 2026 10:53 PM (IST)
weather-expert-paresh-goswami-ni-agahi-pre-monsoon-thunderstorms-and-heavy-rains-in-9-districts-till-4-june
HIGHLIGHTS
  • 8 જૂન સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટી, પરંતુ 4 જૂન સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે
  • ગુજરાતમાં ચોમાસું તેના નિર્ધારીત સમય પ્રમાણે 12 થી 15 જૂનની આસપાસ જ બેસશે

Weather Expert Paresh Goswami Ni Agahi: મે મહિનો પુરો થવા જઈ રહ્યો છે, ત્યારે આખા મહિના દરમિયાન સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા એકાદ-બે દિવસથી રાજ્યના કેટલાકભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે હવે હવામાનમાં મોટા પલટાના સંકેત જોવા મળી રહ્યા છે.

31 મેથી 8 જૂન સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટી રહેશે

હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, આજે રાતથી જ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની વિધિવત શરૂઆત થઈ જશે. બંગાળની ખાડી અને અરબ સાગર અત્યારે સક્રિય હોવાથી દરિયામાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે. જેના પરિણામે તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ બફારો અને ઉકળાટ વધ્યા છે.

આગામી 8 જૂન સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટી ચાલવાની છે. જેમાં 4 જૂન સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ, મહીસાગર અને પંચમહાલ લેવા જિલ્લાઓમાં પણ ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા દાહોદ, ગોધરા અને છોટા ઉદેપુરના છૂટાછવાયા ભાગોમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા વરસી શકે છે.

આવી જ રીતે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ 4 જૂન સુધી વરસાદી માહોલ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ પ્રી-મોન્સૂન વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે છે.

ઉત્તર-મધ્ય ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાવા જેવો માહોલ સર્જાય

વધુમાં હવામાન નિષ્ણાંતે ચેતવણી આપતાં જણાવ્યું કે, પ્રી-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ ખૂબ જ વધારે રહેશે. જેના પરિણામે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ દરમિયાન તોફાની પવન ફૂંકાવાના કારણે મકાનોના છાપરા ઉડવા, હોર્ડિંગ પડવા અને વૃક્ષો ધરાશાયી થવા જેવી ઘટનાઓ પણ બની શકે છે.

અત્યારે આ પ્રી-મોન્સૂન એક્ટિવિટાના ભાગરૂપે છૂટાછવાયા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જેમાં કેટલાક ભાગોમાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ ખાબકશે, પરંતુ વાવણી લાયક નહીં હોય. જ્યારે મોટાભાગે ગુજરાતમાં ચોમાસું 12 થી 15 જૂનની આસપાસ બેસતું હોય છે. તેમ આ વર્ષે પણ આજ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.

ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો ગગડ્યો

છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીની આસપાસ નોંધાતો હતો. જો કે આજથી મહત્તમ તાપમાન નીચું આવીને 40ની રેન્જમાં આવી ચૂક્યું છે. આજે 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ. આ સિવાય અન્ય શહેરોમાં મહત્તમ તાપમાનની વિગતો જોઈએ તો, અમદાવાદમાં 40 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી, ગાંધીનગરમાં 39.5 ડિગ્રી, રાજકોટમાં 39.9 ડિગ્રી અને સુરતમાં 35.6 ડિગ્રી નોંધાયું છે.