Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લામાં જંગલ વિસ્તાર નજીકના ગામડાઓમાં વન્યજીવોના હુમલાની ઘટનાઓ સતત વધી રહી હોચ તેવું લાગી રહ્યું છે. ગીર જંગલ વિસ્તાર નજીક આવેલા સણોસરી ગામે એક દીપડાએ 3 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધાની હિચકારી ઘટના સામે આવી છે. દિપડાના હુમલાને પગલે સમગ્ર ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
દીપડો બાળકને ઉઠાવી ગયો
આ પણ વાંચો
મળતી વિગત મુજબ, સણોસરી ગામમાં એક પરિવારનો ત્રણ વર્ષનો દિકરો ઘરમાંથી ગાયબ થઈ ગયો હતો. પરિવારે બાળકની શોધખોળ શરુ કરી હતી. જ્યારે તપાસ કરતાં સામે આવ્યું કે, જંગલ વિસ્તારમાંથી આવી ચડેલો દીપડો બાળકને ઉઠાવી ગયો હતો. ઘટના અંગે વન વિભાગને જાણ કરાતાં ટીમ તાત્કાલિગ સણોસરી ગામે આવી પહોંચી હતી. બાળકની ભાળ મેળવવા માટે વન વિભાગની ટીમ, પરિવારના લોકો સહિત સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી હતી.
ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહ મળ્યો
લાંબા સમય સુધી શોધખોળ બાદ બાળકનો મૃતદેહ જંગલ વિસ્તારની અવાવરુ જગ્યાએથી મળી આવ્યો હતો. જ્યાં દીપડાએ બાળકને અતિ ભયાનક રીતે ચીરી ફાડી નાખ્યો હતો. બાળકની સ્થિતિ જોઈને પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ખૂંખાર દીપડો કોઈ માનવ પર ફરી હુમલો ન કરે તે અંગે વન વિભાગ સતર્ક બની ગયું હતુ અને તાત્કાલિક પાંજરુ મૂકવાની કામગીરી શરુ કરી હતી.
દીપડો પાંજરે પૂરાયો
વન વિભાગના કર્મચારીઓની કલાકોની મહેનત બાદ દીપડો આખરે પાંજરે પૂરાયો હતો. ખૂંખાર દીપડો પાંજરે પૂરાતા સણોસરી ગામના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
