Veraval News: ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બેડીયા ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. બેડીયા ગામ નજીકના પેટ્રોલ પંપ પાસે ઝાલોદથી ઉના તરફ જઇ રહેલી એસટી બસ અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર અને એક મજૂરનું મોત નીપજ્યું હતું. જ્યારે બસમાં સવાર 10થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઝાલોદ-ઉના રૂટની એસ.ટી. બસ ઝાલોદથી મુસાફરોને લઈને ઉના તરફ આવી રહી હતી. તે દરમિયાન ગીરગઢડાના બેડીયા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે સામેથી આવતા ટ્રક સાથે બસનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક અને બસ બંનેને ભારે નુકસાન થયું હતું. બનાવમાં ટ્રક ડ્રાઇવર અને એક મજૂરનું મોત નીપજ્યું હતું. બન્ને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત બનેલા 10થી વધુ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલ તેમજ નજીકની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થયો હોવાની જાણ થતાં ઉના હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. એસટી વિભાગના અધિકારીઓ અને પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
