Gir Somnah: ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલો ગીરગઢડા તાલુકો હવે સિંહોનું નવું હબ બની રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. અત્યાર સુધી સિંહોને જોવા માટે સાસણ ગીર જવું પડતું હતું, પરંતુ હવે ગીરગઢડા અને તેની આસપાસના ગામડાઓમાં સિંહોની હાજરી સામાન્ય બની ગઈ છે. અહીં એક સાથે સિંહોના ટોળા જોવા મળવા એ રોજિંદી ઘટના બની ગઈ છે.
ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનું વિચરણ
ચોમાસાની ઋતુમાં સિંહો જંગલ છોડીને ગ્રામ્ય વિસ્તારોમાં વિચરણ કરતા જોવા મળે છે. આવા જ એક કિસ્સામાં, ગીરગઢડા-ઉમેદપરા રોડ પર એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું. ગત રાત્રિના ૧૧ વાગ્યા આસપાસ, બે સિંહણ અને તેમના 10 બચ્ચાઓ સાથે એટલે કે કુલ 12 સિંહોનું એક મોટું ટોળું રસ્તા પર લટાર મારતું જોવા મળ્યું હતું.
ગીરગઢડા બન્યું સિંહોનું નવું હબ: ૧૨ સિંહોનું ટોળું રોડ પર જોવા મળ્યું#GirLion #Gujaratnews #GujaratiJagran #lion #Gujaratlion #Gujarat pic.twitter.com/QMGpi9bEWq
— Gujarati Jagran (@gujaratijagran) June 25, 2025
ગીરગઢડાના રહેવાસી દેવચરણ રાવલ પોતાની કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે આ અદ્ભુત દૃશ્યને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું હતું, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. સિંહોનું આટલું મોટું ટોળું એક સાથે રસ્તા પર જોવા મળવું એ ખરેખર એક દુર્લભ ઘટના છે અને તે ગીરગઢડા વિસ્તારમાં સિંહોની વધતી વસ્તી અને તેમના મુક્ત વિચરણનો સંકેત આપે છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની હાજરી સ્થાનિક લોકો માટે ક્યારેક ચિંતાનો વિષય પણ બની રહે છે.
