Gir Kesar Mango: ગીર પંથકમાં કેસર કેરીનો મબલખ પાક ઉતર્યો, તાલાલા યાર્ડમાં ગત વર્ષની તુલનામાં 2.86 લાખથી વધુ બોક્સની આવક

અત્યાર સુધીમાં તાલાલા યાર્ડમાં 7,36,200 બોક્સની આવક નોંધાઈ છે, જે ગત વર્ષે આજ સમયગાળા દરમિયાન 4,49,450 રહી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Jun 2026 04:43 PM (IST)Updated: Fri, 05 Jun 2026 04:43 PM (IST)
gir-kesar-mango-record-harvest-2-86-lakh-boxes-talala
HIGHLIGHTS
  • હજુ પણ 15 દિવસ સુધી કેસર કેરીની સિઝન ચાલી શકે છે

Gir Kesar Mango Update: આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતોના માથે ચિંતાની લકીર જોવા મળી હતી. આમ છતાં તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે કેરીની સિઝન વ્યાપારી દ્રષ્ટિએ અત્યંત રસપ્રદ અને ઐતિહાસિક રહી છે.

ગીર પંથકની કેસર કેરીની માત્ર ગુજરાત કે દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ ડિમાન્ડ જોવા મળે છે. એવામાં તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીની સિઝન શરૂ થયાને અત્યાર સુધીમાં 46 દિવસ થઈ ચૂક્યા છે. હજુ પણ કેટલાક દિવસ સુધી કેરીની સિઝન ચાલવાની છે, ત્યારે ગત વર્ષની સરખામણીએ કેસર કેરીના બોક્સની આવકમાં અધધ વધારો નોંધાયો છે.

ચાલુ સિઝનના 46 દિવસ દરમિયાન તલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના 7,36,200 બોક્સની આવક થઈ ચૂકી છે. જ્યારે ગત વર્ષે તલાલા યાર્ડમાં 44 દિવસની સિઝન દરમિયાન માત્ર 4,49,450 બોક્સની આવક જ નોંધાઈ હતી.

આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કુલ 2,86,750 બોક્સનો ધરખમ વધારો નોંધાયો છે. ખાસ વાત એ છે કે, ઉનાળાની શરૂઆતમાં માવઠાના માર બાદ સાનુકુળ હવામાન માફક આવતા કેસર કેરીના હબ ગણાતા ગીર પંથકમાં મબલખ પાક ઉતર્યો છે. વેપારીઓ અને ખેડૂતોના જણાવ્યા મુજબ, હજુ પણ કેરીની સિઝન વધુ 15 દિવસ સુધી ચાલી શકે છે.

તાલાલા યાર્ડમાં સિઝનના પ્રથમ દિવસે જ 10400 બોક્સની આવક

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં એપ્રિલ મહિનામાં કેરીની સિઝનનો વિધિવત પ્રારંભ થયો હતો. આ દિવસે ગીર પંથકના ખેડૂતો મોટી સંખ્યામાં કેરીઓ વેચાણ માટે યાર્ડમાં લઈને આવ્યા હતા. પ્રથમ દિવસે 10,400 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. જ્યારે ભાવની વાત કરીએ તો, સૌથી ઊંચા ભાવ 1250, સરેરાશ રૂ.825 અને નીચામાં રૂ.450 બોલાયા હતા.