Earthquake: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર અને આસપાસના વિસ્તારોમાં આજે રાત્રે 9:15 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું.
આ ભૂકંપના આંચકા ગીર સોમનાથ ઉપરાંત જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ખાંભા અને ધારી ગીર પંથકમાં પણ અનુભવાયા હતા. ગીરના ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો અને ભૂકંપના આંચકાથી ગભરાયેલા લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. સદભાગ્યે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
તાલાલા ગીર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના હળવા આંચકાઓ વારંવાર અનુભવાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે. ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા આ વિસ્તારની ભૂકંપ પ્રવૃત્તિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
