Gir Somnath: ગીરગઢડામાં ભાભીને કિડનીનું દાન કરી દિયરે આપ્યું નવજીવન

ગીરગઢડા પંથકમાં સમાજ માટે પ્રેરણાદાયી અંગદાનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દિયરે પોતાની કિડનીનું દાન કરી માતા સમાન ભાભીને નવજીવન આપ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 10 Dec 2024 10:40 AM (IST)Updated: Tue, 10 Dec 2024 10:40 AM (IST)
brother-in-law-gives-new-life-to-sister-in-law-by-donating-kidney-in-girgadhda
HIGHLIGHTS
  • બંને કિડની ફેલ હોવાનો રિપોર્ટ આવ્યો
  • દિયરે ભાભીને કિડની દાન કરી

Gir Somnath News: જુના ઉગલા ગામના વતની શૈલેષ ગોવિંદભાઈ ગોહિલ તેમના પત્ની મનીષાબેન અને પુત્ર સાથે હાલ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. જૂન 2024 માં મનીષાબેનની તબિયત બગડી અને મેડિકલ તપાસમાં તેમની બંને કિડની ફેલ હોવાનો રિપોર્ટ આવતા પરિવાર ચિંતા ફેલાઇ હતી.

બંને કિડની ફેલ હોવાનો રિપોર્ટ આવ્યો

અમદાવાદ સિવિલ સહિત ઘણા ડોક્ટરની મુલાકાત લીધી હતી. તમામ નિદાન બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ડોક્ટરોના કહેવા મુજબ મનીષાબેનના પિયરના પક્ષે કિડનીના ડોનર મળે તો જલ્દી ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. પરંતુ માતા-પિતાની ઉંમર અને વર્ષોથી અલગ અલગ બીમારીની દવા ચાલુ હોવાથી ડોનર તરીકે યોગ્ય ન હતા. બહેનો અને એકના એક ભાઈની ઈચ્છા છતાં બ્લડ ગ્રુપ અને મેડિકલ રિપોર્ટ મેચ થયા ન હતા. 

પરિવાર પર સંકટના વાદળો છવાયા

શૈલેષભાઈ પહેલેથી જ પોતાની કિડની તેમના પત્નીને આપવા માટે તૈયાર હતા પરંતુ તેમના તમામ રિપોર્ટ મેચ થયા ન હતા. આમ, પરિવાર પર ફરી સંકટના વાદળો છવાયા હતા. અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલીસીસ અને કોઈ આકસ્મિક દાતા મળે એ આશાએ પરિવાર બેઠો હતો.

દિયરે ભાભીને કિડની દાન કરી

આ દરમિયાન શૈલેષભાઈના નાનાભાઈ સંતોષભાઈએ પોતાનો નિર્ણય પરિવાર સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, આપણે કોઈ ડોનરના ભરોસે નથી બેસવું હું મારી કિડની આપવા તૈયાર છું. જોકે, નાનાભાઈના જીવનને જોખમમાં મૂકવું શૈલેષભાઈને યોગ્ય લાગતું ન હતું તેમજ સંતોષભાઈના પત્ની સહમત થશે કે કેમ એ પણ મુદ્દો હતો. આ વાતો વચ્ચે બહેન સમાન જેઠાણીની જિંદગી માટે પોતાના પતિની પહેલમાં ગોમતીબેને પણ હર્ષભેર પોતાની સહમતી બતાવી હતી.

ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું

ત્યારબાદ નિષ્ણાત તબીબોનાં માર્ગદર્શન હેઠળ દરેક પ્રકારની તબીબી અને કાયદાકીય પ્રક્રિયા તેમજ બધા રિપોર્ટ મેચ થતા ટ્રાન્સપ્લાન્ટનો માર્ગ મોકળો થયો અને આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું.