Gandhinagar News: નવા વર્ષે રાજ્ય સરકાર તરફથી એકપછી એક નવા નિર્ણય કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી વાવ-થરાદને એક અલગ જિલ્લો બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માગ હતી. ત્યારે નવા વર્ષ 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતને નવા વર્ષની ભેટ આપી છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં બનાસકાંઠામાંથી અલગ કરીને વાવ-થરાદ નવો જિલ્લો બનાવવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. નવા બનેલા જિલ્લાનું વડુમથક થરાદ નક્કી કરાયું છે.
નવા જિલ્લામાં આટલા તાલુકાઓને કરાશે સમાવેશ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે, હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે. બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.
વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ નક્કી કરાયું
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં 600 આસપાસ રહે તેમ તથા વિસ્તાર વાવ-થરાદ જિલ્લામાં 6257 ચો. કિ.મી અને બનાસકાંઠા જિલ્લામાં 4486 ચો. કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશાનિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી/ભૌગોલિક/આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કર્યુ છે.
35 થી 85 જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે
આના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું. તેમાં સરેરાશ 35 થી 85 જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે. આ બે નવા જિલ્લાઓના સર્જનથી સરકાર તરફથી મળતું ભંડોળ/ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓમાં વધારો થશે તેમ જણાવતા પ્રવક્તા મંત્રીએ કહ્યુ કે, હવે આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા 34 થશે.
9 મહાનગર પાલિકાની પણ સરકાર કરશે જાહેરાત
વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવાની સાથે સરકાર દ્વારા અન્ય એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આી રહ્યો છે. જેમાં આણંદ,મેહસાણા,વાપી,ગાંધીધામ,મોરબી, સુરેન્દ્રનગર,નવસારી,નડીયાદ,પોરબંદરને મહાનગરપાલિકાઓની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે. સત્તાવાર જાહેરાત આજે ચાર કલાકે થશે.
