Palanpur News: સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેકટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો હતો. આ સાથે ચાર નવા તાલુકાઓ ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે.
ઢીમા અને રાહ મળીને કુલ 8 તાલુકાનો સમાવેશ
આ પણ વાંચો
નવીન વાવ-થરાદ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને નવીન 2 તાલુકા ઢીમા અને રાહ મળીને કુલ 8 તાલુકાનો સમાવેશ થયો છે. નવનિર્મિત જિલ્લામાં 8 તાલુકા, 2 નગરપાલિકા, 416 ગામડા તથા 9 લાખ 78 હજાર 840 વસ્તીનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, વડગામ, દાંતીવાડા, દાંતા, અમીરગઢ, ધાનેરા, કાંકરેજ સહિત નવીન 2 તાલુકા ઓગડ અને હડાદ મળીને કુલ 10 તાલુકાનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત તમામ લોકોને શુભેરછાઓ પાઠવીને નવીન વાવ-થરાદ જિલ્લાની કલેકટર કચેરીનું રીબીન કાપીને કચેરીનો પ્રારંભ કર્યો હતો. બંને મહાનુભાવોનું ખોરડા, જેતડા, ભોરડું અનેખેંગારપુરા ગામના લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરીને નવીન જિલ્લા માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આજનો દિવસ સમગ્ર સરહદી વિસ્તારના નાગરિકો માટે ઉત્સાહ અને ઉમંગના દિવસ તરીકે ઉજવાયો હતો અને થરાદ થી રાહ સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું.
થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓનો શુભારંભ થયો છે. સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી હતી. સરકારએ વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેકટર તરીકે જે.એસ.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન.જે.તેરૈયાની નિમણૂક કરી છે.
નવો વાવ - થરાદ જિલ્લો અને 4 નવા તાલુકાની ભેટ મળી
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સંકલ્પ સાથે સરહદના વિસ્તારને નવો વાવ - થરાદ જિલ્લો અને 4 નવા તાલુકાની ભેટ મળી છે. રાજ્યના મુખ્યમંત્રીએ પ્રજાની માંગણીને સ્વીકારીને ટૂંકા ગાળામાં ઐતિહાસિક નિર્ણય લીધો તે બદલ સરહદના નાગરિકો વતી અધ્યક્ષએ અભિનંદન પાઠવ્યા હતા. નવા જિલ્લાને યંગ અને ડાયનેમિક અધિકારીઓ મળ્યા છે.
આપણી ઓળખ હંમેશા બનાસવાસી તરીકે જ રહેશે: અધ્યક્ષ શંકર ચૌધરી
અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આપણી ઓળખ હંમેશા બનાસવાસી તરીકે બની રહેશે. બનાસવાસીઓ સાથે આપણે લાગણી અને પ્રેમથી જોડાયેલા રહીશું. તેમણે કહ્યું કે, નવા જિલ્લા તરીકે સૌ કોઈ એવા સંકલ્પ સાથે આગળ વધીએ કે વાવ- થરાદ જિલ્લાની નોંધ સમગ્ર દેશમાં લેવાય અને આ વિસ્તારનું નામ ગુંજતું થાય. આ વિસ્તારમાં એક પણ વ્યક્તિ કુપોષણમાં ના રહે, વ્યસનમુક્તિ માટે કામ કરીએ, શિક્ષણ સાથે સ્કીલ મેન પાવર વિકસાવીએ, દરેક વ્યક્તિ આત્મનિર્ભર અને સ્વમાનભેર જીવે તેવો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું. સરહદી વિસ્તારમાં પૂર વખતે વહીવટી તંત્રએ જે ઉમદા કામગીરી કરી છે તે બદલ અધ્યક્ષએ અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આજે ગાંધીજીની 156મી જન્મ જયંતી તથા વિજયા દશમીના શુભ દિવસ આ વિસ્તારના નાગરિકો માટે સુખાકારી લઈને આવ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદંશી નેતૃત્વમાં ગુડ ગવર્નન્સ હેઠળ રાજ્યમાં અનેક વહીવટી સરળતાઓ ઉભી કરાઈ છે. 1960માં ગુજરાતમાં ફક્ત 17 જિલ્લા કાર્યરત હતા જ્યારે આજે 34માં જિલ્લા તરીકે વાવ થરાદ કાર્યરત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા છેવાડાના નાગરિકોની ચિંતા કરીને વિકાસ, સમય અને નાણાંના બચાવ માટે ઘર આંગણે જિલ્લો ફાળવ્યો છે.
મંત્રીએ જણાવ્યું કે, આજે અહીંના વિસ્તારના લોકોનું અભિવાદન જોઈને અભિભૂત થયો છું. આ વિસ્તારમાં સરકારે અનેક વિકાસના કામોને પ્રાધાન્ય આપ્યું છે. આરોગ્ય, શિક્ષણ, નર્મદાનું પાણી સહિતની સુવિધાઓ સરહદી વિસ્તારને મળી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌકોઈને જોડાવા આહવાન કર્યું હતું.
