વાપી: ખંડણી કેસના આરોપીએ SOG ટીમ પર કર્યો હુમલો, જવાબમાં PIએ કર્યું ફાયરિંગ; બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત

વલસાડ SOG પોલીસ ટીમ આરોપીને DNA ટેસ્ટ કરાવી પરત ફરી રહી હતી, જે દરમિયાન આ ઘટના બની હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 22 Nov 2026 03:30 PM (IST)Updated: Sun, 22 Nov 2026 03:30 PM (IST)
vapi-five-crore-extortion-case-accused-escape-attempt-shot-by-sog-police-pi

Vapi Extortion Case: વાપીમાં જ્વેલર્સના સંચાલક પાસે ₹5 કરોડની ખંડણી માગવાના કેસમાં ત્રણ આરોપીમાંથી એક આરોપી જુગરાજસિંહે વલસાડ SOG પોલીસની ટીમ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં PI દિનેશ પરમારે સ્વબચાવમાં આરોપીના પગમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી હતી. ઈજાગ્રસ્ત આરોપીને વાપી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છે.

આરોપીએ કર્યો પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ

અભિષેક જ્વેલર્સના સંચાલક પાસે ₹5 કરોડની ખંડણી માગવાના કેસમાં વલસાડ પોલીસે 3 આરોપીને ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવ્યા હતા. તપાસના ભાગરૂપે SOG પોલીસ ત્રણેય આરોપીઓને DNA ટેસ્ટ માટે વાપીની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. DNA ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોલીસ કાફલો આરોપીઓને લઈને પરત ફરી રહ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, દરમિયાન બલીઠા રેલવે અંડરપાસ પાસે આરોપી જુગરાજસિંહે અચાનક પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે SOG PI દિનેશ પરમારનેકોણી મારી હતી. ત્યારબાદ આરોપીએ પોલીસ વાહનના ડ્રાઈવર સુનિલ મિશ્રા પર હાથમાં પહેરેલી હથકડીથી હુમલો કર્યો હતો.

PI પરમારે સ્વબચાવમાં આરોપીના પગમાં ફાયરિંગ કર્યું

આરોપી નાસી ન જાય અને પરિસ્થિતિને કાબૂમાં લેવા SOG PI દિનેશ પરમારે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં જુગરાજસિંહ જમીન પર પડી ગયો, ત્યારબાદ પોલીસે તેને કાબૂમાં લઈ લીધો હતો.

ઘાયલ આરોપીને તાત્કાલિક વાપીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ હુમલામાં PI દિનેશ પરમાર, ડ્રાઇવર સુનિલ મિશ્રા, HC ઋતુરાજસિંહ ઝાલા અને ભાવેશ ચૌધરીને ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત PI અને ડ્રાઈવરને સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર મામલો શું છે? વેપારીના નાના ભાઈ પર હુમલો

વાપી શહેરના મેઈન બજારમાં ગાંધી માર્કેટ ખાતે આવેલા અભિષેક જ્વેલર્સના માલિક પ્રદીપ જૈનના નાના ભાઈ પર 17 નવેમ્બરે ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બપોરના સમયે જ્વેલર્સનાસંચાલકનો નાનો ભાઈ શોપિંગ સેન્ટરના જનરલ વોશરૂમમાંથી બહાર આવી દરવાજો લોક કરી રહ્યો હતો.

તે સમયે લવપ્રીતસિંહ અને અમોલકસિંહે છરા અને કોયતા જેવા ધારદાર હથિયારથી તેના ગળા અને પીઠ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ત્રીજા આરોપી જુગરાજે હુમલાનો વીડિયો ઉતારી દુબઈમાં બેઠેલા હેરી ઢીલ્લોનને મોકલી આપ્યો હતો. આ રીતે હુમલાનો વીડિયો દુબઈ સુધી પહોંચાડવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.