Vapi News: વાપીમાંથી એક 20 વર્ષીય યુવતીનું સ્વિમિંગ શીખતી વેળાએ ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું હોવાની કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્વિમિંગ પુલની આસપાસ હાજર લોકોએ યુવતીને પુલમાંથી ખંચી કાઢી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.
તરવા ગયેલી યુવતી ડૂબી ગઈ
મળતી માહિતી મુજબ, વાપીના ચલા નામના વિસ્તારમાં નજીક મનપા સંચાલિત સ્વિમિંગ પુલ આવેલું છે. જ્યાં ઘણા લોકો તરવા શીખવા માટે આવે છે. બુધવારના રોજ દમણમાં રહેતી એક યુવતી સ્વિમિંગ શીખવા માટે આવી હતી. તે પાણીમાં તરવા શીખવા માટે ઉતરી તે દરમિયાન તે અચાનક જ ડૂબવા લાગી હતી. જેને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ તાત્કાલિક યુવતીને બહાર ખેંચીને સારવાર હેઠળ ખસેડી હતી.
તબીબે યુવતીને મૃત જાહેર કરી
સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ ફરજ પર હાજર તબીબોએ યુવતીની સ્થિતિ તપાસી હતી. ત્યારે તબીબે યુવતીને મૃત ઘોષિત કરી હતી. યુવતીના ડૂબવા અંગેની જાણ થતાં યુવતીના પરિવારજનો હોસ્પિટલે પહોંચી ગયા હતા. જ્યારે બીજી બાજુ વાપી ટાઉન પોલીસને ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ખાતે પહોચીને નિવેદન લીધું હતું. ત્યારબાદ યુવતીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો.
પોલીસે કાર્યવાહી શરુ કરી
પોલીસે ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદનો નોંધીને યુવતી કેમ પાણીમાં ડૂબી, સ્વિમિંગ પુલમાં સુરક્ષા વ્યવસ્થા અને કોઈની બેદરકારીથી આ ઘટના બની છે, તે દિશામાં ઉંડાણપૂર્વકની તપાસ હાથ વધારી છે. જ્યારે યુવતીના મોતને લઈને પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
