Nargol Sarpanch Letter CM Gujarat: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં પ્રાયોગિક ધોરણે નશાબંધી હળવી કરવા માટે મહિલા સરપંચ સ્વીટી ભંડારીએ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આ ગામની ભૌગોલિક સ્થિતિ, પ્રવાસનની વ્યાપક સંભાવના અને વર્ષોથી બંધ પડેલા તાડીના પરંપરાગત વ્યવસાયને પુનઃજીવિત કરવાની માંગણી કરી છે.
પ્રવાસન વિકાસ અને ભૌગોલિક મહત્વ
નારગોલ ગામ 5 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું અને કુદરતી સૌંદર્યથી ભરપૂર મહત્વનું પ્રવાસન સ્થળ છે. દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલું હોવાથી તે ભૌગોલિક દૃષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે. અહીં મોટી સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવતા હોવાથી, પ્રવાસનનો વિકાસ થવાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળી શકે તેમ છે.
પરંપરાગત તાડી વ્યવસાય અને આજીવિકા
નશાબંધી કાયદો અમલમાં આવ્યો તે પહેલાં સ્થાનિક ભંડારી અને પારસી સમાજના અનેક પરિવારો તાડીના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા હતા. ગામની વાડીઓ અને ખેતરોમાં આવેલા ખજૂરીના વૃક્ષોમાંથી તાડી મેળવીને મુંબઈ સહિતના મોટા શહેરોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ નશાબંધી બાદ આ વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ જતા અનેક પરિવારોની આજીવિકા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.
વર્ષો વીતી જવા છતાં આ પરિવારોને કોઈ વિશેષ આર્થિક રાહત પેકેજ કે વૈકલ્પિક રોજગારીની પૂરતી તક મળી નથી, જેના કારણે તેઓ આજદિન સુધી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગામના સરપંચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આ પત્રની નકલ રાજ્યના પ્રવાસન મંત્રી અને વલસાડ કલેક્ટરને પણ મોકલવામાં આવી છે.
નશાબંધી હળવી કરવાના 5 ફાયદા શું?
મહિલા સરપંચ સ્વિટી ભંડારીએ મુખ્યમંત્રી સમક્ષ નશાબંધી હળવી કરવા અંગે રજૂ કરેલી દલીલોમાં મુખ્યત્વે 5 મોટા ફાયદાઓ ગણાવ્યા છે:
નકલી-ઝેરી દારૂ પર અંકુશ: હાલમાં ચોરીછૂપીથી મળતો નકલી, બનાવટી અને હલકી ગુણવત્તાવાળો દારૂ બંધ થશે, જેનાથી જાહેર આરોગ્યનું મોટું સંકટ ટળી શકશે.
સ્થાનિક યુવાનોને રોજગારી: નિયંત્રણો હળવા થવાથી હોટલ, રિસોર્ટ અને પ્રવાસન ઉદ્યોગમાં સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ખુલશે.
રાજ્ય સરકારને મહેસૂલી આવક: પ્રાયોગિક ધોરણે નિયંત્રિત પરવાનગી આપી ગેરકાયદેસર વેચાણ પર અંકુશ આવશે અને રાજ્ય સરકારને પણ મોટી મહેસૂલી આવક પ્રાપ્ત થશે.
પરંપરાગત આજીવિકાની પુનઃસ્થાપના: કુદરતી પીણા સમાન તાડીને નિયમન હેઠળ મંજૂરી આપીને ભંડારી સહિતના સંબંધિત સમાજોની આજીવિકા ફરીથી શરૂ કરાવી શકાશે.
પ્રવાસન ઉદ્યોગને વેગ: દેશ અને દુનિયાથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક અર્થતંત્ર ઘણું મજબૂત બનશે.
સરપંચે પત્રમાં વધુમાં દલીલ કરી છે કે, જે રીતે ગિફ્ટ સિટી અને અન્ય પ્રવાસન સ્થળોએ નશાબંધીના નિયમો હળવા કરવા અંગે વિચારણા કરવામાં આવી છે, તે જ રીતે નારગોલની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખીને પ્રાયોગિક ધોરણે મંજૂરી આપવી જોઈએ. રાજ્ય સરકારની પ્રતિક્રિયા પર હવે સમગ્ર પંથકના લોકોની મીટ મંડાઈ છે.
