રાષ્ટ્રીય વન શહીદ દિવસ: CM ભૂપેન્દ્ર પટેલે વન શહીદોને આપી શ્રદ્ધાંજલિ, વ્યારાના શહીદ RFOના પરિવારને રુ. 50 લાખની સહાય અર્પણ કરી

રાષ્ટ્રીય વન શહીદ દિવસે CM ભૂપેન્દ્ર પટેલે વન શહીદોને શ્રદ્ધાંજલિ આપી વ્યારાના શહીદ RFOના પરિવારને રૂ. 50 લાખ અને ઈજાગ્રસ્ત વનકર્મીને રૂ. 2 લાખની સહાય અર્પણ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 11 Sep 2026 03:47 PM (IST)Updated: Fri, 11 Sep 2026 03:47 PM (IST)
national-forest-martyrs-day-cm-bhupendra-patel-tribute-vyara-rfo-family-financial-assistance

National Forest Martyrs Day 2026: વન અને વન્યજીવોની સુરક્ષા કાજે શહીદ થયેલા ફ્રન્ટલાઈન સ્ટાફ વનરક્ષક, વનપાલ, અને પરિક્ષેત્ર વન અફસરોની શહાદતના સન્માનમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે 11 સપ્ટેમ્બરના દિવસને 'રાષ્ટ્રીય વન શહીદ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. વન શહીદોનું આ બલિદાન આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બને અને નાગરિકોમાં વન તેમજ વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા અને રક્ષણની ભાવના વધુ સુદ્રઢ બને તેવા આશયથી આ દિવસની દેશ ભરમાં ઉજવણી થાય છે.

વ્યારાના શહીદ વનકર્મીને મુખ્યમંત્રીએ સહાય અર્પી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વન અને વન્યજીવોના રક્ષણ કાજે 1981થી અત્યાર સુધીમાં શહીદ થયેલા 11 જેટલા વનકર્મીઓની શહાદતનું સ્મરણ કરીને તેમની ફરજ પરસ્તીને બિરદાવી હતી. તાજેતરમાં વ્યારાના પરિક્ષેત્ર વન અધિકારી વિકાસભાઈ દેસાઈએ પોતાના જીવની પરવા કર્યા વિના ગેરકાયદેસર લાકડાની હેરફેર અટકાવીને શહીદી વહોરી હતી. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ પરિવારજનોને વન શહીદ સ્મારક ખાતે રૂબરૂ મળીને આર્થિક સહાયરૂપે ₹ 50 લાખનું બેનિવોલન્ટ ફંડ અર્પણ કર્યું હતું.

સીએમ સહીત સૌએ શહીદો માટે મૌન પાળ્યું

તા.6 જુલાઈ 2026ના રોજ સિંહ સાથેના ઘર્ષણમાં ઈજાગ્રસ્ત થયેલા વનકર્મી કાળુભાઈ બોઘાભાઈ પરમારનું વિશિષ્ટ સન્માન કરીને તેમને ₹ 2 લાખની સહાયનો ચેક પણ મુખ્યમંત્રીએ અર્પણ કર્યો હતો. આ વેળાએ ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર સંગઠન પ્રમુખ ડૉ. આશિષભાઈ દવે, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ આર. સી. મીના તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંહ, ઓલ ઇન્ડિયા ફોરેસ્ટ એસોસિયેશન દિલ્હીના ચેરમેન

હિમાચલ, ઝારખંડ, ઓરિસ્સા અને ઉત્તરાખંડના વન વિભાગના મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં વનકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ 2 મિનિટનું મૌન પાળીને વન શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.