વલસાડમાં દિવાળી ટાણે તસ્કરોનો હાહાકાર: અબ્રામામાં પ્રિન્ટિંગ પ્રેસ સંચાલકના બંધ બંગલાને નિશાન બનાવી રૂ. 20.75 લાખના સોના-ચાંદીના દાગીના ચોરાયા

વલસાડના અબ્રામા રાજનનગર વિસ્તારમાં આવેલા એક બંધ બંગલાને તસ્કરોએ નિશાન બનાવીને ત્યાંથી અંદાજે ₹20,75,338 ની મત્તાના સોના-ચાંદીના કિંમતી ઘરેણાં ચોરી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારજનો ઘર બંધ કરીને બહારગામ ગયા હોવાનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ હાથફેરો કર્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Nov 2026 12:01 PM (IST)Updated: Mon, 16 Nov 2026 12:01 PM (IST)
valsad-abraha-rajannagar-major-burglary-gold-silver-jewellery-worth-20-plus-lakh-stolen-police-investigation
વલસાડ સમાચાર

Valsad News: વલસાડ પંથકમાં દિવાળીના તહેવારોની ઉજવણી દરમિયાન તસ્કરોએ બેફામ બનીને પોલીસ પેટ્રોલિંગને ખુલ્લો પડકાર ફેંક્યો છે. વલસાડના અબ્રામા રાજનનગર વિસ્તારમાં આવેલા એક બંધ બંગલાને તસ્કરોએ નિશાન બનાવીને ત્યાંથી અંદાજે ₹20,75,338 ની મત્તાના સોના-ચાંદીના કિંમતી ઘરેણાં ચોરી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારજનો ઘર બંધ કરીને બહારગામ ગયા હોવાનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ હાથફેરો કર્યો હતો.

પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકના બંધ બંગલાને બનાવ્યો ટાર્ગેટ

મળતી વિગતો અનુસાર, વલસાડના અબ્રામા રાજનનગર વિસ્તારમાં આવેલા 'નંદકિશોર બંગલા'માં રાજેશભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે. રાજેશભાઈ વલસાડના બેચર રોડ ખાતે આવેલી વિષ્ણુ ચેમ્બર્સમાં 'રોહિત આર્ટ' નામનું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગત તા. 13-11-2026 ના રોજ રાજેશભાઈનો મોટો પુત્ર જીગર અને તેની પત્ની જિનલબેન ભાઈબીજની ઉજવણી કરવા માટે મુંબઈ ખાતે તેમની સાસરે ગયા હતા.

તે જ અરસામાં ઘરમાં હાજર રહેલા રાજેશભાઈ નવસારીના છાપરાભાઠા ગામે પોતાની સાસરીમાં જવા માટે, પોતાના પિતા રતિલાલભાઈ અને પત્ની કૌશિકાબેન સાથે ઘરના મુખ્ય દરવાજાને તાળું મારીને નીકળી ગયા હતા. આ વાતની જાણ અગાઉથી જ ખબર હોય તેમ તસ્કરોએ રાત્રિના સુમારે આ વિસ્તારને ધમરોળ્યો હતો.

મુખ્ય દરવાજાનું તાળું તોડી કબાટમાંથી લાખોની ચોરી

પરિવાર બહારગામ ગયો હોવાનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ રાજેશભાઈના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું અને નકૂચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશેલા ચોરોએ અલગ-અલગ સ્થળોએ મૂકેલા કબાટોના તાળા તોડી નાખ્યા હતા અને અંદરનો સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો. કબાટમાં રાખેલા સોના અને ચાંદીના કિંમતી દાગીના મળીને કુલ રૂ. 20,75,338 ની મત્તા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

એક જ રાતમાં ચાર સ્થળે તસ્કરોનું મરણમૂછ

માત્ર રાજેશભાઈનું ઘર જ નહીં, પરંતુ તસ્કરોએ આ જ રાત્રિ દરમિયાન આસપાસના અન્ય સ્થળોને પણ નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ નજીકમાં આવેલા નંદવન સોસાયટીના બંગલા નં. બી/05 માં રહેતા કૈલાશબેન ગણેશભાઈ ઠાકોરના ઘરની બાજુમાં આવેલી આંગણવાડીના દરવાજાના લોક તોડી નાખ્યા હતા. આ ઉપરાંત નજીકમાં આવેલા જયાશિવ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 208 માં રહેતા રસિકભાઈ ગામિતના ફ્લેટના દરવાજાના તાળા અને નકૂચા તોડ્યા હતા, જો કે અહીં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

ચોરોની આ હરકત અંગે રાજેશભાઈના ઘરની સામેની બિલ્ડિંગમાં રહેતા હિતેન્દ્રભાઈએ જીગર ચૌહાણને ફોન કરીને જાણ કરી હતી. સમગ્ર મામલે રાજેશભાઈ ચૌહાણે અજાણ્યા તસ્કરો સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તહેવારોની મોસમમાં એકસાથે ચાર સ્થળો પર ચોરીની આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.