Janjatiya Gaurav Diwas 2026: ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ 'જનજાતીય ગૌરવ દિવસ' નિમિત્તે વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. 'જય જોહાર'ના ગગનભેદી નારા સાથે સંબોધનની શરૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિને સમગ્ર દેશમાં 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જે આજે દેશના પ્રત્યેક સમાજ માટે ગૌરવનું પ્રતીક બન્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ આદિવાસી સમાજના યોગદાનને બીરદાવ્યું
આદિવાસી સમાજનું બલિદાન અને સંસ્કૃતિ એ રાષ્ટ્રની વિરાસત હોવાની જણાવી નાયબ મુખ્યમંત્રીએ આઝાદીની લડાઈમાં આદિવાસી સમાજના યોગદાનને બિરદાવતા કહ્યું કે, આ સમાજે માત્ર ધરતીનું જતન જ નથી કર્યું, પરંતુ દેશની આઝાદી માટે પોતાના લોહીનું સિંચન પણ કર્યું છે. તેમણે માનગઢના ગોવિંદ ગુરુ, રૂપસિંહ નાયક, મોતીલાલ તેજાવત અને દર્શનીબેન ચૌધરી જેવા ક્રાંતિકારીઓને યાદ કરી નમન કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, બનાસકાંઠાથી ડાંગ સુધીનો 14 આદિવાસી જિલ્લાઓનો પૂર્વીય પટ્ટો, શામળાજીનો ચિત્ર-વિચિત્ર મેળો, કવાંટનો મેળો, ડાંગ દરબાર તેમજ નાગલીનો રોટલો, ઉંબાડિયું, વાંસનું અથાણું અને અડદની દાળ જેવી પરંપરાગત પૌષ્ટિક વાનગીઓ એ આપણી જીવંત સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના અતૂટ જોડાણની ઓળખ છે.
1 લાખ આદિવાસી પરિવારોને જમીન માલિકી હકો સોંપાયા
રાજ્ય સરકારની જનકલ્યાણકારી કામગીરીની વિગતો આપતા સંઘવીએ જણાવ્યું હતું કે, વન અધિકાર અધિનિયમ હેઠળ ગુજરાતના 1 લાખથી વધુ આદિવાસી પરિવારોને કુલ 74,000 હેક્ટરથી વધુ જમીનના માલિકી હકો સોંપવામાં આવ્યા છે. આજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એક જ દિવસમાં 18,000થી વધુ લાભાર્થીઓને વન અધિકારના પ્રમાણપત્ર અને રેકોર્ડ ઓફ રાઈટ્સ આપીને તેમના ઘરોમાં દિવાળીનો દીપક પ્રગટાવવાનું કામ કરવામાં આવ્યું છે.
હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પૂર્વવર્તી કોંગ્રેસ સરકારો પર આકરા રાજકીય પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આઝાદી બાદ 50-55 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસે આદિવાસી સમાજના સપનાઓ પર રોડા નાખવાનું કામ કર્યું હતું. ધરમપુર જેવા વિસ્તારોમાં વર્ષ 2001 સુધી 25થી વધુ ગામોમાં વીજળી અને ૫૦થી વધુ ગામોમાં પાણી-રસ્તા જેવી પાયાની સુવિધાઓ જાણીજોઈને પહોંચાડવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ આદિવાસી સમાજનો માત્ર 'વોટબેંક' તરીકે ઉપયોગ કર્યો, વન અધિકાર પત્રો ન આપ્યા અને ભગવાન બિરસા મુંડાજીની પણ ક્યારેય યાદ ન કરી. ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી અને આદિવાસી સમાજ માટે અલગ મંત્રાલયની શરૂઆત માત્ર ભાજપની મોદી સરકારે જ કરી છે.
ITIમાં બેઠકોની સંખ્યા 26 હજાર થઈ
વર્ષ 2001માં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આદિવાસી વિસ્તારોમાં શરૂ થયેલી વિકાસયાત્રાના આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉ આદિવાસી વિસ્તારોમાં માત્ર 7 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો હતી, જે આજે વધીને 57 થઈ છે. આ ઉપરાંત 43 નવી ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલો, 12થી વધુ મોડેલ ડે સ્કૂલો, 78 નવી આદર્શ નિવાસી શાળાઓ, 665 આશ્રમ શાળાઓ અને 22,500 સ્માર્ટ ક્લાસરૂમ નિર્માણ પામ્યા છે. આઈ.ટી.આઈ.ની સંખ્યા 31થી વધીને 78 થઈ છે અને બેઠકો 5,000થી વધીને 26,000 કરાઈ છે.
336 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત
પહેલાં આદિવાસી વિસ્તારોમાં માત્ર 2 મેડિકલ કોલેજો હતી, તેની સામે આજે 12 મેડિકલ કોલેજો કાર્યરત છે અને MBBSની બેઠકો 220થી વધીને 2,050 થઈ છે. 1 કરોડથી વધુ નાગરિકોનું સિકલસેલ એનિમિયા સ્ક્રીનિંગ કરાયું છે, જ્યારે છેલ્લા બે વર્ષમાં આયુષ્માન ભારત કાર્ડ હેઠળ આદિવાસી પરિવારોને ₹1,764 કરોડની આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત વિસ્તારમાં 336 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.
આદિવાસી સમાજના યુવાનો નામ રોશન કરી રહ્યા છે.
અંતમાં નાયબ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સરકારની આ સુવિધાઓના પરિણામે આજે આદિવાસી સમાજના દીકરા-દીકરીઓ પાઈલટ, કલેક્ટર, એસ.પી., ડોક્ટર અને એન્જિનિયર બનીને વિદેશની મોટી કંપનીઓ સુધી પોતાનું નામ રોશન કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર આ વિકાસયાત્રાને વધુ તેજ ગતિએ આગળ ધપાવવા કટિબદ્ધ છે.
સરકારની આદિવાસી યોજનાની પ્રદર્શની
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સરકારની આદિવાસી યોજનાની પ્રદર્શનીને ખુલ્લી મૂકવામાં આવી હતી. સભા સ્થળે આદિવાસી દેવી દેવતા અને બિરસા મુંડાની તસ્વીરનું ભક્તિભાવથી પૂજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીનું જિલ્લા વહીવટી તંત્ર, પ્રદેશ એસટી મોર્ચા સંગઠન અને જિલ્લા સંગઠન દ્વારા આદિવાસી વાદ્ય ઘાંઘળી, તારપુ અને વારલી ચિત્ર વડે સન્માન કરવામાં આવ્યું હતું. ડોકટર બનેલી આદિવાસી દીકરી ડો .શ્રીદેવી માહલા એ ગરીબ પરિવારમાંથી ડોકટર બનવા સુધીમાં સરકારના યોગદાન અંગે સાફલ્ય ગાથા વર્ણવી હતી.
મહારાષ્ટ્રના ગઢચીરોલી ખાતે પીએમ મોદીની ઉપસ્થિતિ
નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજના અંતર્ગત રૂ. 6.82 કરોડના કુલ 93 કામો અને રૂ. 41.49 કરોડના કુલ 381 કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર અને રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ગઢચીરોલી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. ડાંગ અને નવસારી જિલ્લાના 34 કલાકારોએ આદિવાસી સંસ્કૃતિની ઓળખ અને ગૌરવ સમાન ડાંગી અને આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું જેને નિહાળી સૌ મંત્રમુગ્ધ થયા હતા.
