પાલનપુરમાં 'જોહાર કેફે'નો ભવ્ય પ્રારંભ: કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ; આદિવાસી મહિલાઓ બનશે આત્મનિર્ભર

જનજાતીય ગૌરવ સપ્તાહ નિમિત્તે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પાલનપુરના જોરાવર પેલેસ કમ્પાઉન્ડમાં 'જોહાર કેફે'નું લોકાર્પણ કરાયું, જેનું સંચાલન સખી મંડળની બહેનો કરશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 15 Nov 2026 03:53 PM (IST)Updated: Sun, 15 Nov 2026 03:53 PM (IST)
johar-cafe-palanpur-inaugurated-by-cabinet-minister-rushikesh-patel-for-tribal-women-empowerment

Banaskantha News: આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને રાષ્ટ્ર નિર્માણમાં તેઓના અનન્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં "જનજાતીય ગૌરવ દિવસ"ની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણમાં આદિજાતિ સમુદાયને સમાન સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે, ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તા. 12 થી 18 નવેમ્બર, 2026 દરમિયાન "જનજાતીય ગૌરવ સપ્તાહ"ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ અંતર્ગત રાજ્યના તમામ આદિજાતિ વિસ્તારોમાં વિવિધ જનકલ્યાણકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે,

આજરોજ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ્ હસ્તે પાલનપુર ખાતે 'જોહાર કેફે'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના સર્વાંગી ઉત્થાન અને મહિલા સશક્તિકરણના ઉમદા હેતુ સાથે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત જોરાવર પેલેસ કમ્પાઉન્ડ ખાતે આ અત્યાધુનિક 'જોહાર કેફે' (કેન્ટીન) કાર્યરત કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની સખી મંડળ (મહિલા સ્વસહાય જૂથો)ની બહેનોને રોજગારીની નવી તકો પૂરી પાડીને તેમને આર્થિક રીતે પગભર અને આત્મનિર્ભર બનાવવાનો છે.

આ કેફેનું સંચાલન સંપૂર્ણપણે મહિલા સ્વસહાય જૂથોની બહેનો દ્વારા કરવામાં આવશે, જેનાથી 'વોકલ ફોર લોકલ' અને 'લખપતિ દીદી' જેવા અભિયાનોને પણ વેગ મળશે. આ 'જોહાર કેફે'માં મુલાકાતીઓ અને નાગરિકોને ગુજરાતની અસલ પરંપરાગત આદિવાસી વાનગીઓ તેમજ સ્વાસ્થ્યવર્ધક શ્રી અન્ન (મિલેટ) આધારિત પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ વ્યવસ્થાથી એક તરફ સ્થાનિક લોકોને શુદ્ધ અને પારંપરિક ભોજન ઉપલબ્ધ થશે,

બીજી તરફ આદિજાતિ સમુદાયની સમૃદ્ધ ખાણીપીણીની સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર પણ થશે. આ લોકાર્પણ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકાના પ્રમુખ, નિવાસી અધિક કલેકટર સી. પી. પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, સખી મંડળની બહેનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.