Gujarat Rain Report Today, 14 September: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર વરસાદી આંકડા અનુસાર, 13 સપ્ટેમ્બર સવારે 6:00 વાગ્યાથી 14 સપ્ટેમ્બર સવારે 6:00 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યમાં વ્યાપક મેઘમહેર જોવા મળી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના 240 તાલુકામાં વરસાદી હાજરી નોંધાઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 113 મીમી વરસ્યો છે.
વલસાડ અને ભરૂચ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ
વરસાદી આંકડા અનુસાર વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં કપરાડામાં 113 મીમી (4.45 ઈંચ), નાનાપોંઢામાં 90 મીમી (3.54 ઈંચ), ધરમપુરમાં 87 મીમી (3.43 ઈંચ), વાપીમાં 79 મીમી (3.11 ઈંચ) અને ઉમરગામમાં 69 મીમી (2.64 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 97 મીમી (3.82 ઈંચ) અને ઝઘડિયામાં 63 મીમી (2.48 ઈંચ) વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં 86 મીમી (3.39 ઈંચ) અને રાણપુરમાં 67 મીમી (2.64 ઈંચ) વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લાના બેચરાજીમાં 85 મીમી (3.35 ઈંચ), નવસારીના વાંસદામાં 83 મીમી (3.27 ઈંચ) તથા નવસારી તાલુકામાં 65 મીમી (2.56 ઈંચ) વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં 77 મીમી અને સુરેન્દ્રનગરના ચૂડામાં 72 મીમી વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં 70 મીમી અને ડેડિયાપાડામાં 61 મીમી વરસાદ પડ્યો છે.
સૌથી વધુ વરસાદ નોંધાયેલ ટોપ 10 તાલુકા
| જિલ્લો | તાલુકો | કુલ વરસાદ (મીમી) | કુલ વરસાદ (ઈંચ) |
|---|---|---|---|
| વલસાડ | કપરાડા | 113 | 4.45 |
| ભરૂચ | વાલીયા | 97 | 3.82 |
| વલસાડ | નાનાપોંઢા | 90 | 3.54 |
| વલસાડ | ધરમપુર | 87 | 3.43 |
| બોટાદ | બરવાળા | 86 | 3.39 |
| મહેસાણા | બેચરાજી | 85 | 3.35 |
| નવસારી | વાંસદા | 83 | 3.27 |
| વલસાડ | વાપી | 79 | 3.11 |
| સુરત | ઉમરપાડા | 77 | 3.03 |
| સુરેન્દ્રનગર | ચૂડા | 72 | 2.83 |
ખેડા, દાહોદ અને અમદાવાદ જિલ્લામાં વરસાદી ઝાપટા
ખેડા જિલ્લાના ખેડા, કપડવંજ અને માતર તાલુકામાં આશરે 61 થી 65 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદ તાલુકામાં 66 મીમી (2.6 ઈંચ) અને અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં 54 મીમી (2.13 ઈંચ) વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ અને ભાદરવા માસની શરૂઆત સાથે મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ સાથે ખેડૂતોમાં સારા વરસાદ થકી ખેતીમાં રાહત મળવાની આશા સેવાઈ છે.
