યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાનો વિવાદ: કોંગ્રેસનો કમિશનરને પત્ર લખી વિરોધ, આજે સ્થાયી સમિતિમાં નિર્ણાયક બેઠક

કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને પત્રમાં જણાવાયું છે કે, યુસુફ પઠાણ આર્થિક રીતે અત્યંત સક્ષમ વ્યક્તિ હોવાથી તેમની પાસેથી પ્લોટની પૂરેપૂરી રકમ વસૂલવી જોઈએ.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 23 Oct 2026 11:14 AM (IST)Updated: Fri, 23 Oct 2026 11:14 AM (IST)
yusuf-pathan-land-controversy-congress-opposes-move-crucial-vmc-standing-committee-meeting-today

Yusuf Pathan Land Allotment Controversy: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર દ્વારા પ્લોટ ફાળવવાની દરખાસ્તને લઈને વડોદરા મહાનગરપાલિકામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. યુસુફ પઠાણે TMC પક્ષ છોડ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આ પ્લોટ ભેટ સ્વરૂપે આપવામાં આવી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે આ મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. આ દરખાસ્ત અંગે આજે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ ની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

દરમિયાન, કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને લેખિત પત્ર પાઠવીને આ નિર્ણય સામે સખત વિરોધ નોંધાવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, યુસુફ પઠાણ આર્થિક રીતે અત્યંત સક્ષમ વ્યક્તિ હોવાથી તેમની પાસેથી પ્લોટની પૂરેપૂરી રકમ વસૂલવી જોઈએ. આ પ્રકારના કિંમતી પ્લોટ ભેટમાં આપવાથી કોર્પોરેશનની તિજોરીને મોટું આર્થિક નુકસાન થશે. વિપક્ષે એવી પણ માંગ કરી છે કે વડોદરા શહેરના નિયમિત વેરો ભરતા સામાન્ય નાગરિકોને પણ આવી તક મળવી જોઈએ.

બીજી તરફ, આ વિવાદ અંગે પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્થાયી સમિતિ સમક્ષ વધારાની દરખાસ્ત આવેલી છે અને તેની ફાળવણી નિયમો અને કાયદાકીય જોગવાઈઓ મુજબ જ કરવામાં આવશે.

ગરીબ આવાસ યોજનાઓ અંગે સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું હતું કે, સરકાર ગરીબો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે જેના દ્વારા દરેકને પોતાનું ઘરનું ઘર મળી રહે છે. જો ગરીબોને સ્ટેમ્પ પેપર કરી આપેલા મકાનો હોય તો તેમને પણ તેનો કબજો સોંપવો જોઈએ. આજે યોજાનારી સ્થાયી સમિતિની બેઠક પર વડોદરાવાસીઓની નજર મંડાયેલી છે કે પાલિકા વિપક્ષના વિરોધ વચ્ચે શું આખરી નિર્ણય લે છે.