Vadodara News:વડોદરામાં VGLની કડક રિકવરી ડ્રાઇવ: 46 ગેસ કનેક્શન કાપ્યા, 12 સપ્ટેમ્બરે લોક અદાલતમાં સમાધાનની તક

વડોદરા ગેસ લિમિટેડ (VGL) એ લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે કડક વસૂલાત ઝુંબેશ શરૂ કરી છે, જેમાં 46 ગેસ કનેક્શન કાપવામાં આવ્યા છે. બાકીદારોને 12 સપ્ટેમ્બરે યોજાનારી લોક અદાલતમાં સમાધાનની તક આપવામાં આવી છે, અન્યથા કડક કાર્યવાહી ચાલુ રહેશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 11 Sep 2026 11:29 PM (IST)Updated: Fri, 11 Sep 2026 11:29 PM (IST)
vgls-tough-recovery-drive-in-vadodara-46-gas-connections-cut-chance-for-settlement-in-lok-adalat-on-september-12

Vadodara News: વડોદરા શહેરમાં લાંબા સમયથી પીpng ગેસ બિલની ચુકવણી ન કરનારા ગ્રાહકો સામે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. કંપનીની વિશેષ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક વસૂલાત ઝુંબેશ શરૂ કરાતાં બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થળ પર જ બિલ વસૂલવાની સાથે રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેતાં ગ્રાહકોના કનેક્શન સ્થળ પર જ કાપવામાં આવી રહ્યા છે.

કારેલીબાગમ સઘન ચેકિંગ અને કાર્યવાહી

તાજેતરમાં VGLની ટીમે કારેલીબાગ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે ₹30 લાખની બાકી રકમ સામે સ્થળ પર જ 46 ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જ્યારે ચેકિંગ દરમિયાન ₹5 લાખની રોકડ અને ઓનલાઇન વસૂલાત થઈ હતી. આ અગાઉ સિટી, વાડી અને જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરીને 22 કનેક્શન કાપવામાં આવ્યા હતા. હાલ કારેલીબાગના નવી ધરતી પંથકમાં આશરે ₹50 લાખની રકમ બાકી હોવાથી ત્યાં પણ લાઇન ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.

ગ્રાહકો માટે ઉપલબ્ધ ચુકવણીના વિકલ્પો

કંપનીના જણાવ્યા મુજબ ગ્રાહકો VGLની સત્તાવાર વેબસાઇટ, ઓનલાઇન માધ્યમો અથવા અધિકૃત પેમેન્ટ કલેક્શન સેન્ટરો પર જઈને બિલ ભરી શકે છે. એકવાર કનેક્શન કપાઈ ગયા બાદ ગ્રાહકે ફરી સપ્લાય શરૂ કરાવવા માટે રિકનેક્શન ચાર્જ ચૂકવવો પડશે.

12 સપ્ટેમ્બરે લોક અદાલતમાં સમાધાનની તક

બાકી બિલ, વિવાદો કે દંડ માફી સંબંધિત મુદ્દાના ઉકેલ માટે ગ્રાહકો માટે લોક અદાલતનો ઉત્તમ વિકલ્પ ઉપલબ્ધ છે. 12 સપ્ટેમ્બરે આયોજિત નેશનલ લોક અદાલતમાં દિવાળીપુરા કોર્ટ ખાતે સવારે 10 થી સાંજે 6 વાગ્યા દરમિયાન હાજર રહીને ગ્રાહકો પોતાના કેસનું સુખદ સમાધાન મેળવી શકશે.

VGL એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે બાકી બિલ ન ભરનારા સામે કનેક્શન કાપવાની કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. તેથી ગ્રાહકો સમયસર બિલ ભરીને અથવા લોક અદાલતનો લાભ લઈને કનેક્શન કપાવાની કાર્યવાહીથી બચે તે જરૂરી છે.