Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં ગણેશ વિસર્જનની ભવ્ય શ્રદ્ધામય માહોલ વચ્ચે યાકુતપુરા વિસ્તારમાં એક અણધારી આફત સર્જાઈ હતી. અડાણિયા પુલ ચાર રસ્તા પાસે આવેલા એક રહેણાંક મકાનના ત્રીજા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. મકાનમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી.
આગ લાગતાં અફરાતફરીનો માહોલ
ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે અને વિસર્જન યાત્રાના રૂટ પર તૈનાત પોલીસ કાફલો ત્વરિત સક્રિય થઈ ગયો હતો. સ્થિતિની ગંભીરતા સમજીને પોલીસે સ્થાનિક નાગરિકોની મદદથી તુરંત જ રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. આગ લાગેલા મકાનની આસપાસ તેમજ પાછળના ભાગે આવેલા ઘરોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે બહાર કાઢી રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા. ત્વરિત કટોકટી સંચાલન અને સમયસરના રેસ્ક્યૂના કારણે એક મોટી દુર્ઘટના અટકી ગઈ હતી.
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
બીજી તરફ, બનાવ અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને ટૂંક જ સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં ત્રીજા માળના મકાનને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે સમયસરના રેસ્ક્યૂને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે શારીરિક ઈજા થવા પામી નથી.
આગની ઘટના અંગે ડીસીપીએ શું કહ્યું?
ઘટના અંગે વિગતો આપતાં ડીસીપી એન્ડ્રયુ મેકવાને જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જન યાત્રા પસાર થઈ રહી હતી તે દરમિયાન અડાણિયા પુલ ચાર રસ્તા પાસે એક મકાનમાં અકસ્માતે આગ લાગી હતી. પોલીસ અને સ્થાનિકોની તત્પરતાથી પાછળના ભાગે રહેતા લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા છે અને ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે.
