Vadodara Fire News: સંસ્કારી નગરી વડોદરાના સૌથી ધમધમતા અને ભરચક ગણાતા સયાજીગંજ વિસ્તારમાં આજે એક મોટી આગની ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશનની બિલકુલ સામે અને સિટી બસ સ્ટેશનની બહાર આવેલી જાણીતી 'ગાયત્રી ભવન રેસ્ટોરેન્ટ'માં અચાનક આગ ભડકી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
રેસ્ટોરેન્ટમાં આગ લાગતા અફરાતફરી
આ ઘટના બની તે સમયે વિસ્તારમાં લોકોની સવારથી જ ભારે અવરજવર હતી. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ નજીક હોવાના કારણે મુસાફરો, સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોની મોટી ભીડ હાજર હતી. રેસ્ટોરેન્ટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા અને આગની જ્વાળાઓ દેખાતા જ આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભરચક વિસ્તાર હોવાને કારણે આગ આજુબાજુની દુકાનો કે ઈમારતોમાં ન ફેલાય તેને લઈને સ્થાનિકો અને વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી
ઘટના અંગે તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમને મેસેજ મળતા જ ફાયર ફાઈટરોની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચવા રવાના થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસનો કાફલો પણ ટ્રાફિક અને ભીડને અંકુશમાં લેવા સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.
જાનહાનિ ટળતા મોટી રાહત
હજુ સુધી આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કિચનમાં ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ફાયર બ્રિગેડ દ્વારા આગ સંપૂર્ણપણે બુઝાવ્યા બાદ અને પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ આંકડાકીય નુકસાન અને સાચા કારણની સ્પષ્ટતા થઈ શકશે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જે રાહતના સમાચાર છે.
