MSU વડોદરાનો ઐતિહાસિક 75મો પદવીદાન સમારોહ: આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગૌરવવંતી ઉપસ્થિતિમાં 12,606 વિદ્યાર્થીઓને એનાયત થશે પદવી

MSU વડોદરાનો ઐતિહાસિક 75મો પદવીદાન સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગૌરવવંતી ઉપસ્થિતિમાં યોજાયો. 12,606 વિદ્યાર્થીઓને ડિગ્રી અને 202 ગોલ્ડ મેડલ એનાયત કરાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 23 Sep 2026 11:30 AM (IST)Updated: Wed, 23 Sep 2026 11:30 AM (IST)
msu-baroda-75th-convocation-president-droupadi-murmu-12606-students-degree

MSU Baroda 75th Convocation: વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનો ઐતિહાસિક 75મો પદવીદાન સમારોહ આજે યોજાઈ રહ્યો છે. યુનિવર્સિટીની ગૌરવપૂર્ણ શૈક્ષણિક યાત્રામાં આ પ્રસંગ એક સુવર્ણ અધ્યાય ઉમેરશે, જેમાં ભારતનાં માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવશે.

આજનો આ પ્રસંગ યુનિવર્સિટીના ત્રિવિધ ઐતિહાસિક યોગ સાથે જોડાયેલો છે. 1881થી શરૂ થયેલો 145 વર્ષનો દીર્ઘ શૈક્ષણિક વારસો, 1949માં યુનિવર્સિટી તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદની 77 વર્ષની સંસ્થાકીય યાત્રા અને આ 75મો પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે.

પદવીદાન સમારોહમાં છાત્રોને ડિગ્રી એનાયત કરાશે

આજના સમારોહના કેન્દ્રમાં કુલ 12,606 વિદ્યાર્થીઓ છે. જેમાં 6,876 વિદ્યાર્થિનીઓ અને 5,730 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આંકડાકીય દ્રષ્ટિએ આશરે 54.5 ટકા વિદ્યાર્થિનીઓની ભાગીદારી નારી સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. શૈક્ષણિક સ્તર મુજબ જોઈએ તો 8,863 સ્નાતક, 2,857 અનુસ્નાતક, 657 પીજી ડિપ્લોમા અને 229 પીએચ.ડી. સંશોધકોને ડિગ્રી એનાયત કરવામાં આવશે. વિશેષ વાત એ છે કે, સ્નાતકથી લઈને પીએચ.ડી. સુધીના તમામ શૈક્ષણિક સ્તરોમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ છે.

વિદ્યાશાખાઓમાં ફેકલ્ટી ઓફ કોમર્સ 6,713 વિદ્યાર્થીઓ સાથે અગ્રેસર છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ 160 તેજસ્વી વિદ્યાર્થીઓને 160 સ્નાતક-અનુસ્નાતક અને પ્રો. પી. કે. ભટ્ટાચાર્ય ગોલ્ડ મેડલ લેકચર સિરીઝ સહિત કુલ 202 ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની ખાસ ઉપસ્થિતિ

યુનિવર્સિટીના પદવીદાન સમારોહની પરંપરામાં ડૉ. એસ. રાધાકૃષ્ણન, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, દેશના મુખ્ય ન્યાયમૂર્તિઓ અને વિખ્યાત વૈજ્ઞાનિકો જોડાયેલા રહ્યા છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ આ જ સમૃદ્ધ પરંપરાને આગળ ધપાવશે.

યુનિવર્સિટીના કુલાધિપતિ હિઝ હાઇનેસ રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ, કુલપતિ પ્રો. (ડૉ.) ભાલચંદ્ર મહાદેવ ભાનગે તથા કુલસચિવ પ્રો. (ડૉ.) કે. એમ. ચુડાસમાના વહીવટી નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમ 19મી સદીમાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા વડોદરામાં રોપાયેલા શૈક્ષણિક વટવૃક્ષની નિરંતરતા અને સમકાલીન શ્રેષ્ઠતાનું શ્રેષ્ઠ પ્રતીક બની રહેશે.