Vadodara Crime News: સંસ્કારી નગરી વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલી જેટકો ઓફિસ બહાર એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની શંકા રાખીને એક દંપતીએ યોજનાપૂર્વક કંપનીના ડેપ્યુટી એન્જિનિયર પર ચપ્પુ વડે જાનલેવા હુમલો કરી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં એન્જિનિયરને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે અકોટા પોલીસ મથકે દંપતી સામે ગુનો નોંધાતા પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
દંપતીએ ડેપ્યુટી એન્જિનિયરને ફોન કર્યો
આ પણ વાંચો
પોલીસ ફરિયાદમાં દર્શાવાયેલી વિગતો અનુસાર, ઓલ્ડ પાદરા રોડ પર રહેતા અને રેસકોર્ષ ખાતે આવેલી જેટકો કંપનીમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારી ગત 19 સપ્ટેમ્બરના રોજ પોતાની નિત્યક્રમ મુજબ સવારે 10:30 વાગ્યે ઓફિસે પહોંચ્યા હતા. તે દરમિયાન તેમના જ વિભાગમાં કામ કરતા કર્મચારી મહેશ પટેલની પત્નીએ ફોન કરીને નાણાકીય લેવડદેવડ અર્થે ઓફિસે આવવાની વાત કરી હતી.
દંપતીએ ડે. એન્જિનિયર પર કર્યો હુમલો
ફોન કર્યાના થોડા જ સમયમાં મહેશ પટેલ અને તેની પત્ની જેટકો ઓફિસે આવી પહોંચ્યા હતા. તેમણે ડેપ્યુટી એન્જિનિયરને વાતચીત કરવાના બહાને ઓફિસ નીચે બોલાવી નજીકમાં આવેલા ગૌતમનગર સોસાયટીના ગેટ પાસે લઈ ગયા હતા. ત્યાં પહોંચતા જ મહેશે આવેશમાં આવીને "તું મારી પત્ની સાથે કેમ આડા સંબંધ રાખે છે?" તેમ કહીને એન્જિનિયરનો જમણો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો.
એન્જિનિયર જીવ બચાવવા ભાગ્યા
પતિએ એન્જિનિયરને પકડી રાખતા જ બાજુમાં ઉભેલી મહિલાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની હેન્ડબેગમાંથી તીક્ષ્ણ ચપ્પુ કાઢીને એન્જિનિયર પર ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા એન્જિનિયરે હિંમત દાખવી દંપતીના પંજામાંથી પોતાને મુક્ત કરાવ્યા હતા અને દોડીને જેટકો કમ્પાઉન્ડમાં પહોંચી ગયા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો.
ઈજાગ્રસ્ત એન્જિનિયરે ફરિયાદ નોંધાવી
અંતે, ત્યાં હાજર GEBના વાહન ચાલકની મદદથી લોહીલુહાણ એન્જિનિયરને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હુમલાના આ બનાવ અંગે ઈજાગ્રસ્ત એન્જિનિયરે અકોટા પોલીસ સ્ટેશનમાં દંપતી સામે સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
